મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આધારકાર્ડ જારી કરનાર ઓથોરિટી UIDAIએ ભારતી એરટલ અને એરટેલ પેમેંટ્સ બેંક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતા તેનું ઇ-કેવાયસી લાયસન્સ અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યું છે. એરટેલ અને એરટેલ પેમેન્ટ્સ બેંક હવે ઇ-કેવાયસી દ્વારા પોતાના મોબાઇલ ગ્રાહકોના સિમ કાર્ડનું આધારકાર્ડ આધારિત  વેરિફિકેશન નહીં કરી શકે.  

એવી જ રીતે એરટેલને પેમેન્ટ બેંક ગ્રાહકોના વેરિફેકિકેશન માટે પણ ઇ-કેવાયસી પ્રક્રિયા કરતુ અટકાવી દેવામાં આવ્યું છે. યુઆઇડીએઆઇએ આ કાર્યવાહી ભારતી એરટેલ પર આધાર ઇ-કેવાયસી આધારિત સિમ વેરીફિકેશન પ્રક્રિયાના કથિત દુરુપયોગના આક્ષેપને કારણે કરી હતી. આક્ષેપ છે કે એરટેલે પોતાના ગ્રાહકોની સહમતિ વિના જ તેની એરટેલ બેંકમાં ખાતા ખોલી નાખ્યા છે. જ્યારે હકિકતમાં તો ગ્રાહકોએ સીમ કાર્ડ લેવા માટે જ આધાર બેઝ કેવાયસી કરાવી હતી.  એરટેલના પ્રવક્તાએ આ મામલે કહ્યું હતું કે યુઆઇડીઆઇ દ્વારા આ આદેશ અપાયો છે તે વાત સાચી. આ મુદ્દે ઝડપથી સમાધાન કાઢવામાં આવશે અને કંપની જરૂરી પગલા લેશે.

કાર્યવાહીનું કારણ

આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી હોવાનું કહેવાય છે કારણ કે એરટેલ પેમેટ્સ બેંકના 23 લાખથી વધુ ગ્રાહકોને તેમના આ બેંક ખાતામાં 47 કરોડ રૂપિયા મળ્યા જે ખાતા ખોલવામાં આવ્યાની તેમને જાણકારી પણ ન્હોતી. સૂત્રોનું કહેવુ છે કે UIDAIના ધ્યાનમાં આવ્યુ હતું કે એરટેલના રિટર્લર્સે કંપનીના તે ગ્રાહકોના એરટેલ બેંકમાં ખાતા ખોલ્યા હતાં જેમણે પોતાના સિમ વેરિફિકેશન માટે આધાર કાર્ડ આપ્યા હતાં. મોબાઇલ ધારકોને તો ખબર પણ ન્હોતી કે તેમના ખાતા એરટેલ સીમની સાથે એરટેલ બેંકમાં પણ ખોલી નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં લોકોની એલપીજી સબસિડી પણ આવા બેંક ખાતામાં આવવા લાગી હતી.