મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ નોટબંધીને બે વર્ષ પૂરાં થયાં છે અને ચલણમાંથી 500 અને 1000ની નોટ રદ થઇ છે છતાં હજુ થોકબંધ જૂની નોટો સાથે આરોપી પકડાવાના કિસ્સા બની રહ્યા છે. ગુરુવારે મોડી સાંજે નવસારી વિસ્તારમાંથી ચલણમાંથી રદ કરાયેલી 500 અને 1000ની રૂપિયા 69 લાખની નોટ સાથે નવસારી પોલીસે બેની ધરપકડ કરી છે . બન્ને સુરતના વતની છે. પોલીસે 500ની 10,913 અને 1000ની 1,451 નોટ તથા નંબર વગરની સ્કુટી તથા મોબાઇલ જપ્ત કરીને બનેંની ધરપકડ કરી છે.

નવસારી ટાઉન પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ  પોલીસને માહિતી મળી હતી કે નંબર વગરની સ્કુટી પર બે માણસો ચલણમાંથી રદ થયેલી નોટ સાથે વિરાંજલી માર્ગ અગ્રવાલ કોલેજ પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબ નંબર વગરની સ્કુટી પર  આવેલા મોહમંદ ઝુબેર હનીફ ઝવેરી ( રહે. રાણીતળાવ, સુરત) અને રમેશ વિઠ્ઠલ રાવળ ( રહે. નવદુર્ગા સોસા. નાનાવરાછા, સુરત)ની ધરપકડ કરી હતી. તેમની પાસેની કાળી બેગમાં 500ના દરની 10,913 જેની કિંમત રૂપિયા 54, 56, 500 અને 1000ના દરની 1,451 જેની કિંમત રૂપિયા14,51,000 મળી કુલ 69,07,500ની નોટ પોલીસે કબ્જે લીધી હતી. આ નોટ કોને આપવાની હતી તેની પોલીસ તપાસ કરી રહી છે.નવસારી ઇન્કમટેકસ વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે.