મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદઃ અમદાવાદનું રિવરફ્રન્ટનું એક વિશેષ આકર્ષણ છે, રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે, પરંતુ સોમવારની સવારે મોર્નીંગ વોકમાં નિકળેલા લોકોએ વોકવે ઉપરથી જોયું તો સાબરમતી નદીમાં બે મહિલા અને એક બાળકની લાશ તરી રહી હતી, જેના કારણે તેમણે પોલીસને જાણ કરતા પોલીસ ફાયર બ્રીગેડના સ્ટાફ સાથે દોડી આવી હતી અને ત્રણે લાશો પાણીમાંથી બહાર કાઢી હતી.

જ્યાંથી લાશ નિકળી તેની નજીકમાં વોકવે ઉપર એક પેપર ડીશ પડી હતી તેમાં રહેલા અન્નના કણો ઉપરથી તે ખમણની ડીશ હોય તેવું લાગી રહ્યું હતું ડીશની પાછળના ભાગે લીપસ્ટીકથી લખ્યું હતું કે અમે બંન્ને એક થવા માટે નિકળ્યા હતા પણ દુનિયાએ અમને સાથે જીવવા દીધા નહીં, અમારી સાથે કોઈ પુરૂષ નથી. આવુ જ લાલ લીપસ્ટીકથી લખાણ વોકવેની પાળી ઉપર લખેલું હતું. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે તપાસ શરૂ કરતા બંન્ને મહિલાઓ પૈકી એક મહિલાનું નામ આશા ઠાકોર (ઉ-30) અને તે બાવળાની રહેવાસી હતી. જ્યારે બીજી મહિલા ભાવના રાઠોડ(ઉઃ28) તે રજોડા ગામની વતની હતી.

આ બંન્ને મહિલાઓ પાંચ મહિનાથી એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી ત્યાં તેમની વચ્ચે પરિચય થયો હતો અને તેમનો પરિચય સજાતીય સંબંધમાં બદલાયો હતો. જો કે આ મામલે બંન્નેના ઘરમાં ખબર પડી જતા તેમણે જીવનનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો કારણ તેમને ખબર હતી કે હવે તેઓ સાથે રહી શકશે નહીં. જો કે આશા બહેન પરણિત હતા અને તેમને ત્રણ વર્ષની દિકરી હતી, જેના કારણે આશા અને ભાવના ઘરેથી નિકળ્યા ત્યારે સાથે આશાની ત્રણ વર્ષની દિકરીની પણ લઈ નિકળ્યા હતા.

આત્મહત્યા કરવાના જ ઈરાદે અમદાવાદ પહોંચેલી આશા-ભાવના અને ત્રણ વર્ષની દિકરીએ પહેલા પાળી ઉપર બેસી ખમણ ખાધા હતા ત્યાર બાદ તેમણે પહેલા નાની બાળકીને પાણીમાં ફેંકી હતી અને બાદમાં તેમણે પણ પાણીમાં પડતુ મુકયુ હતું, પોલીસે બાળકીની હત્યાનો ગુનો નોંધ્યો છે.