અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં થયેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરનાર આઈપીએસ રજનીશ રાયને ચાર્જશીટ આપી ગુજરાતના બે પોલીસ અધિકારીઓને આઈજી (ઈન્સ્પેક્ટર જનરલ) માંથી એડીજી (એડીશનલ ડાયરેક્ટર જનરલ) માં પ્રમોશન સ્વરૂપે મોટી ગીફ્ટ મળી છે.

નરેન્દ્ર મોદીની આંખમાં કણાંની જેમ ખુંચતા બે આઈપીએસ અધિકારીઓ રજનીશ રાય અને સતિષ વર્માની તેમણે વડાપ્રધાન થયા બાદ સૌ પ્રથમ ગુજરાતમાંથી દેશના પુર્વોત્તર રાજ્યોમાં ‘શિક્ષાત્મક’ બદલી કરી હતી. ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાય અને સતિષ વર્મા છેલ્લા 3.5 વર્ષથી કેન્દ્રમાં પ્રતિનિયુક્તિમાં છે. 1992 બેચના બે આઈપીએસ અધિકારીઓ આઈજી ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને સિદ્ધરાજસિંહ ભાટીને રાજ્ય સરકારે આજે ગુરુવારે એડીજીમાં બદલી કર્યા વગર બઢતી આપી છે.

ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અમદાવાદ શહેરમાં સેક્ટર-1ના સ્પેશ્યલ કમિશનર અને સિદ્ધરાજસિંહ ભાટી સુરત શહેરમાં સ્પેશ્યલ કમિશનર ક્રાઈમ અને ટ્રાફીક તરીકે જ રાખ્યા છે.

ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને એડીજીમાં બઢતી નહીં આપે તેવો અહેવાલ સૌ પ્રથમ Meranews.com દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તે જ પ્રમાણે થયું. આઈપીએસ રજનીશ રાયને બઢતી આપવી હોય તો તેમને ગુજરાત કેડરમાં પાછા લાવવા પડે અને એડીજીમાં પણ બઢતી આપવી પડે, આ બઢતી નહીં આપવા માટે જ તેમને ચાર્જશીટ અપાઈ હતી. જ્યારે તેમની જ બેચના આ બે અધિકારીઓને બઢતીની ભેટ મળી ગઈ છે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઈજી રજનીશ રાયને ચાર્જશીટ આપવામાં આવી છે પરંતુ ચાર્જશીટ અંગે કોઈ અધિકારી બોલવા તૈયાર નથી. Meranews.com દ્વારા આઈજી રજનીશ રાયનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.