મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર: જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખામાં ફરજ બજાવતા બે ઇજનેરને કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા મહાપાલિકા કર્મચારી સંકુલમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સાઈટ પર ગેર હાજર બંને જવાબદાર ઇજનેરને ખબર જ ન હતી કે પોતાના વિસ્તારમાં જે રસ્તા ખોદાણનું કામ થાય છે તે કોના દ્વારા અને ક્યાં હેતુસર કરવામાં આવી રહ્યું છે? આ બાબતને લઈને કમિશનરે આકરા પાણીએ ડેપ્યૂટી ઈજનેર અને જુનિયર ઇજનેરને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દઈ સરાહનીય કામગીરી કરી છે. તો બીજી તરફ બેડેશ્ર્વર ઇએસઆરમાં કોન્ટ્રાકટ બેઇઝના વર્ક આસીસ્ટન્ટ દ્વારા અધિકારી સાથે કરાયેલા ગેરવર્તનને લઇને તેમનો કોન્ટ્રાકટ રદ કરી દેવામાં આવ્યો છે.

જામનાગરમાં પીવાના પાણીની સતત વધતી જતી તંગિની સામે મહાપાલિકા દ્વારા એકાતરા વિતરણ કરવામાં આવતા પાણી પુરવઠામાં વધુ એક દિવસનો ઉમેરો કર્યો છે. પાણીની પળોજણ નિવારવા કમિશનર અને વોટર વર્કસ વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે ત્યારે કમિશનર દ્વારા ગઈકાલે સમર્પણ ઇએસઆર વિભાગના વિસ્તારમાં ચાલતી પાણીની પાઇપ લાઈન કામગીરી અર્થે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલ કમિશનરે કામ કરતા મજૂરોને જવાબદાર અધિકારીઓની હાજરી અંગે પૃછા કરી હતી. આ વિસ્તાર વિસ્તાર વોટર વર્ક્સના જવાબદાર ઇજનેરોની નીચે આવે છે તેઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. કમિશનરના ફોનના પગલે હાજર થયેલા ડેપ્યૂટી ઈજનેર બી એચ નકુમ અને જુનિયર ઈજનેર કિશોર પીઠીયા હાજર થયા હતા. કમિશનર રણજીતસિંહ બારડે બંને ઇજનેરોની ચાલતી કામગીરી અંગે વિગત આપવા જણાવ્યું હતું. પરંતુ બંને ઈજનેરને આ કામગીરી અંગે કાંઈ ખબર જ ન હતી . જેથી આશ્ચર્ય ચકિત થયેલ કમિશનર બારડએ રોજ પંચ કામ કરાવી બંને ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. કમિશનરના આકરા નિર્ણયને લઈને મહાપાલિકાના અમુક કામચોર કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ બેડેશ્ર્વર ઇએસઆરમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝના વર્ક આસીસ્ટન્ટ નકુમ દ્વારા વોટર વર્કસના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જેને લઇને કમિશ્નર દ્વારા આ કર્મચારીનો કોન્ટ્રાકટ રદ કરી દઇ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.