મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં આજથી બે દિવસ માટે ધરણાનો કાર્યક્રમ યોજી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપવમાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ૧૯૯૭થી અત્યાર સુધી ભરતી થયેલા તમામ શિક્ષકોને સળંગ નોકરી ગણી સિનીયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગારધોરણનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં આજથી બે દિવસ માટે ધરણા યોજવામાં આવ્યા છે. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્ધારા તેમની પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવતા છેલ્લા એક અઠવાડિયાથી કાળી પટ્ટી ધારણ કરી શાળામાં ફરજ બજાવવામાં આવી રહી છે.

ત્યારે સેકટર-૬ પાસે સત્યાગ્રહ છાવણીએ રાજ્યવ્યાપી ધરણા કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કરાયેલી માંગણીઓ અંગે પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષ પટેલે કહ્યું કે, ૧૯૯૭ થી અત્યાર સુધીના તમામ ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોની નોકરી સળંગ ગણવી જોઈએ. જ્યારે નવી લાગુ થયેલી પેન્શન યોજના બંધ કરી જૂની યોજના જ ચાલુ રાખવી, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગથી ગ્રેડ આપવા જોઈએ.

આ ઉપરાંત શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં નહીં જોતરવા સાથે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમાન કામ સમાન વેતનના નિયમની અમલવારી કરવા અને ફિક્સ પગારવાળી ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા જેવા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. આ ધરણામાં ૧૬ ફેબ્રુઆરીએ બીજા જીલ્લા-તાલુકાના ૨૫૦૦ કરતા વધારે શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાશે. આમછતાં જો કોઈ ઉકેલ નહીં લાવવામાં આવે તો વધુ આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે.