મેરાન્યોઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારની નવી રચના પછી નીતિન પટેલની નારાજગીથી શરૂ થયેલો અસંતોષ નિયત સમયાંતરે જુદા જુદા સ્વરૂપે બહાર આવી જ રહ્યો છે. સીએમ બનવાથી લઇ વિવિધ ખાતા માટે નારાજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આજદિન સુધી ખુશ નથી. ત્યારબાદ પૂર્વ મંત્રી બાબુ બોખીરીયા અને પુરષોત્તમ સોલંકી સહીત અધ્યક્ષ બનાવાયેલા રાજેન્દ્ર ત્રિવેદી, યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને જેઠા ભરવાડ તેમજ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સી.કે.રાઓલજી વગેરે મંત્રીપદથી લઇ તેમના પ્રશ્નો ઉકેલાતા નહિ હોવા બાબતે ભારે નારાજગી વ્યકત કરી ચુક્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી તો હજુસુધી ખુલ્લેઆમ દેખાઈ રહી છે. ત્યાં વડોદરાના  ત્રણ ધારાસભ્યો યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવની નારાજગીથી ભાજપ સરકાર અને સંગઠનમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રિપુટી ધ્વારા ૨૦ ધારાસભ્યો સાથે હોવાનો દાવો કરવામાં આવતા જ આ ત્રણ ધારાસભ્યોને મનાવવા માટે ભાજપ ધ્વારા રાજ્ય સરકારના બે ક્ષત્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપ ધ્વારા વડોદરાના ત્રણ નારાજ ધારાસભ્યોને મનાવવા માટે રાજ્ય સરકારના સીનીયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની પ્રદેશ નેતાગીરીએ હાલ આ બંને મંત્રીઓને આ અંગે સૂચના આપવામાં આવતા આ બંને મંત્રી દ્વારા નારાજ ત્રિપુટીને મનાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં આ ધારાસભ્યોએ તેમની નારાજગીનું કારણ સરકારી અધિકારીઓ ભાજપના ધારાસભ્યો ગાંઠતા નહી હોવાનું જણાવતા તે અંગે વિસ્તૃત વિગતો જાણીને સમાધાન લાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા ખાતે આ ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં પણ આવશે. તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમની નારાજગીનું કારણ જાણીને યોગ્ય ઉકેલ લાવવા મંત્રીઓ સજ્જ થયા છે.

જયારે બીજીતરફ મુખ્યમંત્રીની વિદેશ યાત્રા દરમિયાન જ આ ત્રણ ધારાસભ્યોએ ગુજરાતના મંત્રીઓ, સનદી અધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા અંગે આક્રોશ વ્યકત  કર્યો છે. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું હતું કે, મંત્રીઓ અને સનદી અધિકારીઓ દ્વારા માત્ર અમારા ત્રણ ધારાસભ્યો પ્રત્યેજ નહિં, પરંતુ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારના ૨૦ જેટલા ધારાસભ્યો આ મુદ્દે એકજુથ થઇ નારાજગી વ્યકત કરે તેવી શક્યતા છે.