મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટઃ રંગીલા રાજકોટમાં ક્રિકેટનો ક્રેઝ તો જાણીતો જ છે પરંતુ ક્રિકેટની સાથે હવે રાજકોટ અન્ય સ્પોર્ટ્સમાં પણ આગળ વધતું હોય ફૂટબોલ જેવી રમતોને પણ મહત્વ મળી રહ્યું છે અને રંગીલા રાજકોટમાં કારકિર્દી ઘડવાની આશા સાથે આફ્રિકન દેશ ઘાનાના બે ફૂટબોલ ખેલાડીઓ આવી પહોંચ્યા હતા પરંતુ આજે આ ખેલાડીઓને રહેવા કે જમવાની પણ સગવડતા મળતી ના હોય બંને ખેલાડીઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે.

મૂળ રાજકોટના રહેવાસી અને આફ્રિકન દેશ ઘાનામાં ટીમ્બર વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયીએ ઘાના દેશના ફૂટબોલ ખેલાડી પોલ અને ટોનીને કામની અને કારકિર્દીના સપના દેખાડી રાજકોટ મોકલ્યા હતા. જોકે રાજકોટ પહોંચ્યા બાદ પોલ અને ટોની નામના ખેલાડીઓને ફૂટબોલ પ્લેયર્સ માટેની ઘાનાની “હુંબોક FC” ક્લબ તરફથી રમે છે પરંતુ ક્લબ તરફથી પૂરતા નાણા મળતા ના હોય જેથી બંને ખેલાડીઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે તો વળી ઘાના પરત ફરીને ત્યાં કોઈ ચાન્સ મળતા ના હોય જેથી ઘાના પરત ના ફરવા પણ ખેલાડીઓ મક્કમ મન બનાવી ચુક્યા છે જોકે આ ખેલાડીઓની વહારે રાજકોટના ફૂટબોલ ખેલાડીઓ આવ્યા છે અને હાલ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી છે પરંતુ આર્થિક સંકડામણની સ્થિતિમાં ખેલાડીઓ તેમનો જોમ જુસ્સો ગુમાવી રહ્યા છે તો હાલ કોઈ સ્કૂલ કે સ્પોર્ટ્સ સંસ્થાન પણ ખેલાડીઓ તરફ દુર્લક્ષ સેવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ ફૂટબોલના રોહિત બુંદેલા જણાવે છે કે, રાજકોટમાં ફૂટબોલને રતીભાર પણ મહત્વ મળતુ નથી છતાં આ ખેલાડીઓને ખોટા સ્વપ્ન દેખાડીને રાજકોટ લઇ આવવામાં આવ્યા છે. જે યોગ્ય નથી. ઘાનાના ફૂટબોલર પોલ અને ટોની જણાવે છે કે, રાજકોટના ફૂટબોલ ખેલાડીઓમાં પ્રતિભાનો કોઈ અભાવ નથી અને અહીંના પ્લેયર્સ પણ ઘણા સારા છે પરંતુ રાજકોટમાં ફૂટબોલ માટે યોગ્ય વાતાવરણ મળતું નથી જે દુઃખદ છે. ઘાનાથી આવેલા બંને ખેલાડીઓ પાસે ૧૦ મે સુધીના વીઝા છે જેથી ત્યાં સુધી તો તે ભારતમાં રહી શકે છે પરંતુ તેમને ગોવા કે કેરાલા મોકલવા માટે ટેકનીકલ કારણો નડી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે કારણકે ખેલાડીઓ પાસે સીએસઆર (સેન્ટ્રલાઈઝ રજીસ્ટ્રેશન સીસ્ટમ) અને માઈગ્રેશન સર્ટીફીકેટ ના હોવાથી ભારતના ફૂટબોલ પ્રેમી રાજ્યમાં તેમને કોચ તરીકે રાખી શકાય તેમ નથી. તો થોડા દિવસો પૂર્વે આવો જ કિસ્સો બન્યો હતો જેમાં ઘાનાથી રાજકોટ ફૂટબોલ રમવા આવેલા નવ પૈકીના પાંચ ખેલાડીઓના પાસપોર્ટ કોચ લઇ રફુચક્કર થયો હતો. જેથી પાંચ ખેલાડીઓ ફસાયા હતા અને બાદમાં ભારત ખાતેની એમ્બેસીની મદદથી તેમણે પાર્ટ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેલાડીઓને રાજકોટ લઇ આવનાર કીર્તિ દવે બંનેનો રહેવા જમવાનો ખર્ચ પોતે ઉઠાવે છે અને નોકરી ના મળે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરી હોવાનો જવાબ આપી રહ્યા છે પરંતુ પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દી સાથે આવી ક્રૂર મજાક કેમ કરવામાં આવે છે અને ધંધાદારીઓ ખેલાડીઓને મદદ ના કરી શકતા હોય તો આવી મુશ્કેલ સ્થિતિમાં ધકેલવાનો તેમને કોણે અધિકાર આપ્યો તેવા સવાલો પણ રમતપ્રેમીઓ ઉઠાવી રહ્યા છે.