મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આગામી દિવસોમાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ક્રિકેટર વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યામાં લાખોનો ઘટાડો જુઓ તો ચોંકી ન જતા. કારણ કે ટ્વિટર ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓનો પ્રસાર રોકવા માટે મોટા પ્રમાણમાં નકલી ટ્વિટર એકાઉન્ટ ને સસ્પેન્ડ કરી રહ્યું છે. આ કવાયત હેઠળ ટ્વિટરે થોડા મહિનાઓમાં 10 લાખથી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહીં દરરોજ લગભગ 50 હજાર સ્પામ એકાઉન્ટને બ્લોક કરવામાં આવી રહ્યા છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર સક્રિયતાથી તે બૉટ એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યું છે જેની મદદથી કોઈ શખ્સના ટ્વિટર હેન્ડલના ફોલોઅર્સ વધારવામાં આવે છે.

ટ્વિટર બૉટ્સ એટલે કે બૉટ શબ્દ રૉબોટનું શોર્ટ ફોર્મ છે. આ ટ્વિટર બૉટ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે પોતાની જાતે જ પોસ્ટ મોકલે છે. બૉટ્સને જો ટેકનિકલ શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ તો આ કોમ્યુટર પ્રોગ્રામ છે જે સ્વચાલિત કામ કરે છે. જેનું પ્રોગ્રામિંગ એવું હોય છે કે તેને ઓળખવું મુશ્કેલ બને છે. બૉટ્સનો ઉપયોગ કોઈપણ મુદ્દાને ટ્રેન્ડ કરવા માટે, એક મેસેજને વિશાળ કક્ષાએ પ્રસારિત કરવા માટે અથવા તો પછી લોકોનું ધ્યાન આકર્ષિત કરી નીતિઓમાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વિટર ઓડિટ અનુસાર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાખો નકલી એકાઉન્ટ ફોલો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદી ટ્વિટર પર ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ છે અને તેમના 23 ટકા ફોલોઅર્સ ફેક છે. દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીના 43 મિલિયન ફોલોઅર્સમાંથી લગભગ 10 મિલિયન (1 કરોડ) ફોલોઅર્સ નકલી છે. જ્યારે રાહુલ ગાંધીના લગભગ અઢી મિલિયન (અઢી લાખ) ફોલોઅર્સ ફેક છે. ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહેતા સુષ્મા સ્વરાજના 21 ટકા ફોલોઅર્સ ફેક છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પક્ષને ફોલો કરનારાઓમાં 21 ટકા નકલી છે. જ્યારે ભાજપના 30 ટકા ફોલોઅર્સ નકલી છે.

ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ પકોહલીના 50 ટકાથી વધુ ફોલોઅર્સ ફેક છે. જેથી જો ટ્વિટર પોતાની પોલીસી હેઠળ આ નકલી એકાઉન્ટને સસ્પેન્ડ કે બ્લોક કરે તો તેમના ફોલોઅર્સની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થઇ શકે છે.