મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આત્મહત્યા કરનાર ભૈય્યુજી મહારાજના કેસની તપાસ મામલે હવે નવો ખુલાસો થયો છે. ભૈય્યુજી મહારાજના ડ્રાયવરે જણાવ્યું છે કે એક યુવતી ભૈય્યુજી મહારાજ પાસેથી કોઈ વાત જાહેર નહીં કરવા માટે દર મહિને અઢી લાખ રૂપિયા માંગતી હતી.

ભૈય્યુજી મહારાજના વકીલ નિવેશ ઉર્ફે રાજા બડજાત્યાને પાંચ કરોડ રૂપિયા માટે ધમકી આપનાર ભૈય્યુજી મહારાજના ડ્રાયવર કૈલાશ પાટીલે મોટો ખુલાસો કર્યો છે. કૈલાશ પાટિલ (ઉં.વ. 44) અને તેના બે સાથીદાર સુમિત ચૌધરી (ઉં.વ. 23) તથા અનુરાગ રોજિયા (ઉં.વ. 28) ને પોલીસે શુક્રવારે કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે ત્રણેયને 18 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પૂછપરછ દરમિયાન ડ્રાયવર પાટિલે કહ્યું કે ભૈય્યુજી મહારાજ જે યુવતીના સંપર્કમાં હતા તે યુવતી તેમને ધમકી આપી રહી હતી. તે કોઈ વાતને ગુપ્ત રાખવા માટે ભૈય્યુજી મહારાજ પાસેથી અઢી લાખ રૂપિયા દર મહિને માંગતી હતી. આ વિશેની જાણકારી સેવક વિનાયક અને શરદ દેશમુખને પણ હતી. મહારાજના વ્યક્તિગત અને નજીકના લોકોના જે ફોન આવતા તે શરદ દેશમુખ જ અટેન્ડ કરતો હતો.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ફરી એકવખત આ કેસમાં નવા કડીઓ જોડવાનું શરુ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાયવરે ભૈય્યુજી મહારાજના કેટલાક ખાસ સેવકો પર આક્ષેપ લગાવ્યો છે કે ભૈય્યુજી મહારાજે જેમના પર વિશ્વાસ મુક્યો તેઓએ જ મહારાજને નુકશાન પહોંચાડ્યુ છે.

જે યુવતી ભૈય્યુજી મહારાજને પરેશાન કરતી હતી તેની માહિતી આયુષી, નિવેશ બડજાત્યા અને મનમીતએ પણ હતી. તેઓમાંથી જ કેટલાક લોકો યુવતી સાથે મળીને ભૈય્યુજી મહારાજને બ્લેકમેલ કરતા હતા. ડ્રાયવરના નિવેદન બાદ પોલીસે આ મામલે ફરી એક વખત તપાસ હાથધરી છે અને તે યુવતીની પણ શોધ હાથધરી છે.