પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે  સ્વાર્થી માણસ પોતાના જ માટે જીવતો હોય છે. આ માન્યતા સાચી પણ છે, પણ જગતમાં એક સ્વાર્થી માણસનો બીજો પ્રકાર પણ છે, જે બીજાની જીંદગીમાં સારૂ થાય તેના માટે જીવતો હોય છે. કદાચ તમે આટલુ જ વાંચો તો તમને આ વાત સાચી લાગશે નહીં. દુનિયાના ઘણા શ્રીમંતોને  આ સરળ ગણિત સમજાતુ નથી. જેના કારણે તેમને પાસે ઘણુ બધુ હોવા છતાં તેમને જીવનમાં કઈક ખુંટી રહ્યું છે તેવું લાગ્યા કરે છે અને જેમને પાસે થોડુંક છે પણ તેમની સ્વાર્થવૃત્તિને કારણે બીજાને આપતા થયા છે તેમની પાસે ખુશીનો પાર નથી, જે માણસો બીજાને આપે છે, તે ખરેખર બીજાને નહીં પણ પોતાને કઈક આપે છે. દુનિયામાં જે પણ માણસો બીજા માણસ માટે કઈક કરે છે, તેની પાછળ તેમની સ્વાર્થવૃત્તિ કારણભુત છે, કારણ જ્યારે તેઓ બીજા માટે કંઈક કરે છે અથવા આપે છે ત્યારે તેમના મનમાં એક ગજબ પ્રકારની શાંતિ અને સુખનો અનુભવ થાય જેને માપવાનું કોઈ મીટર અને તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી.

આપણે આપણી આસપાસ ઘણા માણસો જોયા છે, જે પોતાની હેસીયત પ્રમાણે કઈક નાનુ મોટુ સારૂ કામ કરતા હોય છે. આ બધા જ સ્વાર્થીની વ્યાખ્યામાં આવે છે, જયારે તેઓ બીજા માટે સારૂ કરે છે ત્યારે ખરેખર તેમના મનમાં તેમને સારૂ લાગે છે. આમ પોતાને સારૂ લાગે છે માટે તેઓ બીજાના જીવનમાં સારૂ કરે છે. કેટલીક બાબતો સ્વાનુભવ વગર સમજાતી નથી, હું છેલ્લાં ત્રીસ વર્ષથી પત્રકારત્વ કરૂ છું, મારો પ્રયત્ન કાયમ જ તેવો રહ્યો છે કે નેતાઓ અને અધિકારીઓના કૌંભાડ લખવા કરતા એક નાનકડી સ્ટોરી કોઈ ગરીબનો ચુલો સળગાવી શકે, કોઈ બાળકની સ્કૂલની ફિ ભરાવી શકે અને કોઈની દવાનો વ્યવસ્થા થઈ શકે તો  મારી કેરીયરની તમામ મોટી સ્ટોરીઝ કરતા એક નાનકડી સ્ટોરી વધુ મોટી સાબીત થાય છે. પત્રકારો તો ઘણા છે, પણ બહુ ઓછા પત્રકારો બીજાના જીવનમાં નાનકડી ઘટના સારી થાય તે માટે કામ કરે છે. કારણ જ્યારે તે પત્રકાર કોઈ ગરીબને રોટલો મળે અથવા કોઈ બાળકની ફિ ભરાય તેની સ્ટોરી કરે છે અને તેવું થાય છે ત્યારે તેના મનને કોઈ પદ્મશ્રી મળ્યાનો આનંદ થાય છે.

સ્વાર્થી માણસ શું કામ બીજાને મદદ કરે છે તેનો પહેલો  ઉત્તર તો આપણને મળ્યો કે તે પોતાના જ સુખ માટે બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે છે. સુખ પણ બહુ વિચિત્ર અનુભવ છે, જે પોતાના સુખને પોતાની પાસે જ રાખે છે તેના સુખને કંટાળાની ઉંધઈ ચઢતા વખત લાગતો નથી. કોઈ વ્યકિતની પાસે ગાડી અને બંગલો ન્હોતા ત્યારે તેણે ગાડી અને બંગલો લેવા માટે ખુબ મહેનત કરી અને જ્યારે તેને મળ્યા તેના થોડા સમય બાદ તેને કંટાળો આવવાની શરૂઆત થઈ, કારણ તેણે પોતાને મળેલા સુખને પોતાના પુરતુ સિમીત રાખ્યું, પણ સ્વાર્થી માણસ પોતાને સુખને બીજાને આપે છે, બીજા શબ્દોમાં કહીએ તો તે પોતાને મળેલા સુખનું કયાંક રોકાણ કરે છે, જેના કારણે જેમ બેન્કમાં મુકેલી ડિપોઝીટ ઉપર વ્યાજ મળે તેમ સ્વાર્થી માણસને પોતાનું સુખ બીજાને આપી પોતાના સુખમાં વૃધ્ધિ કરી છે. હવે બીજાને મદદ કરતા સ્વાર્થી માણસની મદદ કરવાની ભાવનાનું બીજુ કારણ જાણીશું.

જે માણસ પાસે ખુબ છે, તેને લાગે છે કે દુનિયાના બધા જ માણસ પાસે બધુ જ છે, પણ જેઓ બીજાને આપવાનું શીખ્યા છે, તેમને સમજાયું છે કે તે પોતાની સંપત્તી અને સુખને વધારવા માટે રાત દિવસ મહેનત કરે છે, પણ અનેક એવા માણસો પણ છે જેઓ ઉપર જતી સીડીના ઘણા નીચા પગથીયે ઊભા છે. મારો જ અનુભવ કહું તો છેલ્લાં ઘણા વર્ષોથી હું પણ નોકરી ધંધો અને પરિવારની જવાબદારીઓ વચ્ચે  મારી જાતને બીજા કરતા પાછળ સમજવા લાગ્યો હતો, પણ છેલ્લાં બે વર્ષથી હું અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરૂ છું, હું જેમ જેમ કેદીઓ સાથે કામ કરતો ગયો અને તેમની વચ્ચે સંવાદ કરતો ગયો તેમ તેમ મને સમજાતુ ગયું કે કેદીઓના જે પ્રશ્નનો છે તેની સરખામણીમાં મારી પાસે તો જીંદગીના કોઈ પ્રશ્ન જ નથી. સુખ માટે દોડવા અને રડવા કરતા બીજાની તકલીફ અને પીડા જોઈ આપણને સમજાય છે કે આપણી તમામ તકલીફો બહુ જ નાની છે, આપણે નાહક તેને ગળે વળગાડી રડીએ છીએ.

તમે કહેશો કે મારી પોતાની જ તકલીફો પણ ઘણી છે ત્યારે હું ક્યાં બીજાને મદદ કરૂ તો મારી પાસે તેનો એક ઉપાય છે, કે સુખની પણ એસઆઈપી (SIP) થઈ શકે છે સુખ વહેંચવા માટે અને સુખી થવા માટે તમારી પાસે ઘણું હોવાની જરૂર નથી, એક નાનકડી શરૂઆત પણ થઈ શકે રોજ નક્કી કરો કે રસ્તે બેઠેલા કોઈ ગરીબ માણસને પાંચ રૂપિયાનું બીસ્કીટ લઈ આપીશ, જ્યારે તમે પેલા રસ્તે બેઠેલા માણસને પાંચ રૂપિયાનું બીસ્કીટનું પેકેટ આપશો ત્યારે તમને જે અનુભવ થશે તેની કિંમત સમજાશે, તમારા ઘરના આંગણામાં આવતા પક્ષીઓને બે મુઠ્ઠી દાણા નાખજો જ્યારે પક્ષીઓ ચણતા હશે ત્યારે તમારી આંખને તે દ્રશ્ય જોઈ જે આનંદ આપશે તે કદાચ પક્ષીને નાખેલા દાણાની કિંમત કરતા અનેક ઘણું હશે.

મેં બહુ વર્ષો પહેલા વાંચેલી વાત છે, જો કે ચોક્કસ મેં કયાં વાંચ્યુ તે મને યાદ નથી, પરંતુ ઘટના કંઈક આવી છે કે તમે બ્રેડનો એક ટુકડો લઈ દરિયા કિનારે ઊભા રહેજો અને તમારી પાસે આવી રહેલા દરિયાના મોજા તરફ તે બ્રેડને ફેંકજો, દરિયો તે બ્રેડને પોતાની સાથે અંદર લઈ જશે. થોડીવાર પછી તમે ઊભા છો ત્યાં અથવા થોડે દુર બીજુ મોજુ તે બ્રેડને બહાર લઈ આવશે ત્યારે તમે તેને ઉંચકીને જોશો, તો તમે દરિયાને આપેલી બ્રેડ તમે આપી તેના કરતા વધારે વજનદાર થઈને બહાર આવી હશે, ઈશ્વર આપનારને પાછું આપે ત્યારે અનેક ઘણું કરી પાછું આપે છે. બસ તે આપનાર તેને આપે તેની જ રાહ જોતો હોય છે.