મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગાંધીનગરની ઐતિહાસિક ઓળખાણ ગણાતા  અડાલજ ગામમાં દીકરીઓ માટેની સ્કૂલમાં શૌચાલયની સ્થિતિ અત્યંત કથળેલી છે  જેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરીઓને તકલીફોનો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયત અડાલજ દ્વારા આ મુદ્દે કલેક્ટર કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શૌચાલયની હાલત સુધરી નથી.

અડાલજની વસ્તી ૧૧,૦૦૦ હજારની છે અને મધ્ય ગુજરાત- અમદાવાદ- મહેસાણાને જોડતું ગામ છે અને અડાલજ ઐતિહાસિક વાવને લીધે આંતરરાષ્ટ્રીય મહત્વ પણ ધરાવે છે જ્યાં દીકરીઓના અભ્યાસના સ્થળે શૌચાલય બિસ્માર હાલતમાં છે.

ગામના આગેવાન રસીકજી ઠાકોરે જણાવ્યું કે ગામમાં શાળાના મકાન સારી હાલતમાં છે. પરંતુ ગામમાં આવેલી ગર્લ્સ સ્કૂલમાં આવેલા શૌચાલય ખરાબ હાલતમાં છે. આના વિષે કલેક્ટર ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર ગાંધીનગર દ્વારા મદદ કરવાની ખાતરી પણ કરવામાં આવી હતી જેમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

તેઓએ વધુમાં જણાવ્યું કે ગામમાં જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી તે લોકો આ સ્કૂલનો સામાજિક પ્રસંગોએ ઉપયોગ કરતા હોય છે. પરંતુ શૌચાલયની સ્થિતિ કથળેલી હોવાથી એના પણ ઉપયોગમાં આવતી નથી.

ગામમાં પંચાયત દ્વારા બધી જ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને ગ્રામ પંચાયત સફાઈ અભિયાનમાં સમગ્ર ગામને ગંદકી મુક્ત કર્યું છે અને ગામમાં સફાઈ માટે ખાસ કેમ્પેન કરવામાં આવે છે. ગામમાં રોડ રસ્તા અને અન્ય સુવિધાઓ બહુ જ સારી હાલતમાં છે પણ માત્ર ગર્લ્સ સ્કૂલના શૌચાલયની સ્થિતિ સારી નથી.