પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): હમણાં હાર્દિક પટેલ પાટીદાર અનામતની માગણી સાથે ઉપવાસ ઉપર છે.  મારૂ વ્યક્તિગત માનવુ છે કે પાટીદાર ગરીબ હોય તો તેને શિક્ષણની સારી વ્યવસ્થા મળે તે જરૂરી છે નહીં કે અનામત નહીં, કારણ માત્ર પાટીદાર પરિવારમાં જન્મ લેવાને કારણે પાટીદારને દલિતો જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. માત્ર દલિત અથવા ઓબીસીને અનામત મળે છે માટે અમને પણ  મળવી જોઈએ તેવી માગણી વાજબી નથી, કારણ દરેકના સંજોગો અલગ હતા અને અલગ છે .

2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન એકદમ પીક ઉપર હતું. હું અનામતનો હિમાયતી છુ તેની જાણકારી મારા પરિવારને પણ છે.હું આંદોલનના પહેલા દિવસથી લખી રહ્યો હતો કે બંધારણમાં પાટીદારને અનામત મળે તેવી જોગવાઈ નથી અને જે જ્ઞાતિઓને અનામત મળી રહી છે તેમની  જોગવાઈ પાછી પણ ખેંચવી જોઈએ નહીં. રોજ રોજે અખબારમાં આવી રહેલા અનામતના સમાચાર વાંચતા મારા કોલેજમાં ભણતા પુત્રએ પુછ્યુ કે ક્યા સુધી તમે આ લોકોને અનામત આપશો. હું તેની સામે જોઈ રહ્યો, અનામત અંગે તેની અપુરતી જાણકારીને કારણે તે આવુ બોલી રહ્યો હતો. મેં તેને પુછ્યુ કે તને અનામતને કારણે શુ નુકશાન થયુ? 

તેણે થોડુ વિચારી કહ્યુ કે મને તો કોઈ નુકશાન થયુ નથી. પણ અનામતનો લાભ જેમને મળે છે તેમને ઓછા ટકા હોય તો પણ પ્રવેશ મળે છે અને નોકરી પણ મળી જાય જાય છે જ્યારે જેઓ ખુબ અભ્યાસ કરે છે અને ટકા સારા હોવા છતાં તેમને નોકરી મળતી નથી. અને ક્યા સુધી આપણે આ અનામત વ્યવસ્થા ચાલુ રાખીશુ? મે તેને સમજાવતા કહ્યુ, જ્યારે આપણા દેશમાં શિક્ષણ અને નોકરીમાં અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આપણા દેશના વંચિંત અને શોષિત લોકોને નોકરી તો દુર પણ શિક્ષણ પણ મળે તેવી સમાજ વ્યવસ્થા પણ આપણી પાસે ન્હોતી કારણ આપણી માનસિતા પ્રમાણે ચોક્કસ વર્ગના લોકોએ તો માત્ર ગટર સાફ કરવા જેવા ગંદા કામો જ કરવાના હતા.

આ વર્ગમાં જન્મ લેનાર માણસને શિક્ષણ મળે અને નોકરી મળે તેવુ કાયદાકીય રક્ષણ મળે તે માટે અનામત આપવાની શરૂઆત થઈ હતી. મારી વાત અધવચ્ચેથી કાપતા તેણે કહ્યુ આઝાદીના 70 વર્ષ સુધી તો અનામત આપી, હવે ક્યા સુધી અનામત આપવાની છે? હું હસ્યો અને મેં કહ્યુ અનામતનો અર્થ માત્ર સ્કૂલ-કોલેજમાં પ્રવેશ અને નોકરી મળે એટલો પુરતો ન્હોતો, પણ સ્કૂલમાં મારી બાજુમાં કોઈ ‘પરમાર’ અટકવાળો પણ ભણતો હોય, નોકરીમા  મારી સાથે કોઈ ‘મકવાણા’ પણ કામ કરે તે પણ હતો. દિકરાએ કહ્યુ હવે આ વાત બહુ સહજ છે, મે કહ્યુ તને બહારથી સહજ લાગતી બાબત સહજ નથી.

‘પરમાર’, ‘મકવાણા’, અને વસાવા અટક ધરાવતા માણસોને શિક્ષણ અને નોકરી મળવા લાગી, પણ અનામતનો હેતુ માત્ર શિક્ષણ અને નોકરી આપવાનો ન્હોતો, પણ આપણી સાથે ભણતા ‘પરમાર’ અને સાથે નોકરી કરતા ‘મકવાણા’ અને વસાવાને એટલુ જ માન મળે જેટલુ માન દવે, પટેલ અને  દિક્ષિત જેવી અટક ધરાવતા માણસને પણ મળે, પણ અનામતના આટલા વર્ષો બાદ આપણે તેમને માન આપી શકતા નથી. મેં તેને મારા વ્યક્તિગત અનુભવમાં આવેલી વાતો કહી , મેં અનેક દલિત અધિકારીઓને જોયા છે, જેમને અનામતના લાભને કારણે શિક્ષણ પણ મળ્યુ અને સરકારી નોકરી પણ મળી, પણ તેમની અટક ‘પરમાર’ અથવા ‘મકવાણા’ જેવી હોવાને કારણે તેઓ સરકારના ઉચ્ચ હોદ્દા ઉપર હોવા છતાં તેમના સાથી કર્મચારીઓ તો ઠીક પણ તેમના જુનિયર પણ તેમને માન આપતા ખટકાટ અનુભવતા હતા.

હું એવા અનેક અધિકારીઓને ઓળખુ છુ, જેમને માત્ર પોતાની ચોક્કસ અટકને કારણે પડી રહેલી તકલીફને કારણે તેમણે પોતાના સંતાનોને પોતાના જેવી તકલીફ પડે નહીં તે માટે પોતાની અટક નોકરી મળ્યા પછી પણ બદલી છે. માણસ પોતાના ચહેરા પછી કોઈ પણ બાબતને પ્રેમ કરતો હોય તો પોતાનું નામ છે, પણ તેમણે પોતાની અટક બદલી છે. જેમણે પોતાની અટક બદલી નથી તેવા ગુજરાતના આઈએએસ અને આઈપીએસ અધિકારી પીઠ ફરે તેની સાથે તેમની જાતી માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ મેં સાંભળ્યો છે. અનામત એટલા માટે આજે પણ જરૂરી છે કે જ્યાં સુધી આપણે તેમને માન આપતા શીખીશુ નહીં ત્યાં સુધી અનામત જરૂરી છે.

મારા અને મારા પુત્ર વચ્ચે આ ચર્ચા નિકળી તેના થોડા દિવસ પછી ગણેશ ચતુર્થી આવી રહી હતી. મારા ઘરે દર વર્ષે ગણેશ સ્થાપન થાય છે, ગણેશ સ્થાપન માટે બ્રાહ્મણ આવે છે.  મેં મારા પુત્રને કહ્યુ આ વખતે આપણે ત્યાં ગણેશનું સ્થાપન આપણે ત્યાં સોસાયટીમાં સફાઈ  કામદાર પાસે કરાવીશુ. મારૂ વાક્ય પુરૂ થાય તે પહેલા મારા પુત્ર અને મારી પત્નીના ચહેરા ઉપર હાવભાવ બદલાઈ ગયા. મેં તેમને સમજાવ્યુ કોણે ક્યા જન્મ લેવો તે કોઈના હાથમાં ન્હોતુ, કોણ ક્યા જન્મયુ છે તેના આધારે તેની પવિત્રતા નક્કી થતી નથી અને તે વર્ષે મેં મારા ઘરે ગણેશ સ્થાપન કરવા માટે મારી સોસાયટીમાં સફાઈ કામદારને જ બોલાવ્યો હતો. મારા પરિવારની સાથે મારા સફાઈ કામદારના ચહેરા ઉપર એટલુ જ આશ્ચર્ય હતું કે આવુ તો કેવી રીતે બને?

મને ખબર નથી હું મારા પુત્રને મારી વાત કેટલી સમજાવી શક્યો પણ જ્યારે આપણે માણસની જ્ઞાતિના આધારે નહીં પણ તેની લાયકાત પ્રમાણે તેનો આદર કરતા શીખીશુ ત્યારે અનામતની જરૂર નહીં  પડે પણ ત્યાં સુધી અનામત જરૂરી છે.