પ્રશાંત દયાળ.અમદાવાદઃ આ 2013ની ઘટના છે. અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના સીપાઈએ સુપ્રીટેન્ડન્ટ આર જે પારધીને જાણકારી આપી કે જેલમાં રહેલા ઈન્ડીયન મુઝાહીદ્દીનના આતંકીઓએ સુરંગ ખોદી કાઢી છે. છેલ્લાં ત્રણ મહિનાથી કેદીઓ સુરંગ ખોદતા હતા અને જેલમાં કોઈ અધિકારીને ખબર જ પડી નહીં. જે દિવસે સુરંગ ખોદાઈ ગઈ જેની જાણકારી મળી ત્યારે રવિવાર હતો. સૌથી પહેલા જેલ સુપ્રીટેન્ડન્ટ આર જે પારઘી જેલમાં પહોંચ્યા, તેમણે ખોદાયેલી સુરંગ જોઈ તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે, સીધી જવાબદારી તેમની હતી.

2007ના આઈપીએસ અધિકારી પારઘી ખુબ ડરી ગયા હતા, તે જેલ ઉપરથી નિકળી સીધા ગુજરાતની જેલોના વડા પી સી ઠાકુરના બંગલે પહોંચ્યા, તેમણે ઠાકુરને જેલમાં ખોદાયેલી સુરંગની માહિતી આપી હતી. ઠાકુર પણ પારઘીની સિનિયર હતા, તેમણે પારઘીને જવાબ આપ્યો કઈ વાંધો નહીં આજે તો રવિવાર છે. આવતીકાલે પોલીસ ફરિયાદ કરીશું. જેલમાં સુરંગ ખોદાઈ તે વાતને ગંભીરાતપુર્વક લેવાને બદલે જેલોના વડા ઠાકુર રવિવારની રજાના મુડમાં હતા.

પોતાના સિનિયરનો જવાબ સાંભળી પારઘી જેલ ઉપર પાછા ફર્યા, તેમને ખબર હતી કે ત્રણ ત્રણ મહિનાથી જેલમાં સુરંગ ખોદાતી રહી અને જેલ અધિકારીને ખબર સુધ્ધા પડી નહીં, તેમાં તેમનો જ ખુલાસો પુછાશે. તેઓ પાછા બેરેકમાં પહોંચ્યા જ્યાં સુરંગ ખોદાઈ હતી ત્યાં તેમણે કેટલાક કેદીઓએને એકત્ર કર્યા, સુરંગની લંબાઈ 213 ફુટની હતી, હજી હમણાં જ સુરંગ ખોદાઈ છે, તેવું બતાડવા માટે પારઘીએ કેદીઓ પાસે મોટો પથ્થર મંગાવ્યો અને 14 ફુટના અંતરે પથ્થર ગોઠવી સુરંગ નાની છે, તેવું બતાડવાનો પ્રયાસ કર્યો, બીજા દિવસે પોલીસને બનાવની જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લ ઓએનજીસી અને ફાયરબ્રીગેડની ટીમ સાથે જેલમાં આવ્યા હતા. આ બંન્ને એજન્સીઓને તપાસમાં બહાર આવ્યું કે ખરેખર સુરંગ 14 ફુટની નહીં પણ વધુ લાંબી છે.

આખરે ફાયરબ્રીગેડે શોધી કાઢયુ કે સુરંગ નાની દર્શાવવા માટે વચ્ચે પથ્થર મુકયો છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં શોધી કાઢયું કે કેદીઓની મદદ લઈ ખુદ સુપ્રીટેન્ડન્ટ પારઘીએ સુરંગમાં પથ્થર ગોઠવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કરેલી ચાર્જશીટમાં પારઘીને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે. કારણ તેમણે ગુનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આ આઈપીએસ અધિકારી આર જે પારઘી અમદાવાદના ઝોન-7ની ડીસીપી તરીકે મુકાયા છે.