મેરાન્યૂઝ નેટવર્ક, કોલકાતા: ટીએમસી સંસદ સભ્ય અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને કાયદેસરની નોટિસ મોકલી છે. અમિત શાહને આ નોટિસ તેમની 11 ઓગસ્ટના રોજ કોલકાતામાં રેલી દરમિયાન આપેલ ભાષણમાં બદનક્ષીભર્યું નિવેદન આપવા બદલ મોકલવામાં આવી છે.

અમિત શાહે આ રેલી દરમિયાન કહું હતું કે કેન્દ્રમાં કોંગ્રેસ એટલે કે યુપીએની સરકાર હતી ત્યારે પાંચ વર્ષમાં બંગાળના વિકાસ માટે 1 લાખ 32 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવતા બંગાળને 3 લાખ 59 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. રેલી દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત એમ પણ પુછ્યુ કે મોદીએ મોકલેલા રૂપિયા બંગાળના ગામડાઓના નાગરિકો પાસે પહોંચ્યા કે નહી? કે પછી ભત્રીજા અને સિન્ડિકેટની ભેટ ચડી ગયા છે?

અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. અમિત શાહે રેલીમાં બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે બાંગ્લાદેશી ઘુસણખોરો મમતા બેનર્જીની વોટબેંક છે તેથી તેમનો પક્ષ ટીએમસી એનઆરસીનો વિરોધ કરી રહ્યો છે.