મેરાન્યુઝ નેટવર્ક.મહીસાગર: લુણાવાડાથી સંતરામપુર અને મહિસાગરના ઘાઢ જંગલોમાં સંત પાર્ક જંગલ આવેલું છે. આ જંગલમાં પાણીના સ્ત્રોત ઘણા છે. જ્યાં વનવિભાગે વાઘની વાત મળતાં જ નાઈટ વીઝન કેમેરા સહિતની સામગ્રીઓનો ઉપયોગ કર્યો હતો. ગત સાંજે વાઘ દેખાયો છે તે વનવિભાગે પૃષ્ટી કરી છે. આ વાઘ સર્વપ્રથમ એક શિક્ષકે વાઘ જોયો હતો અને તેનો વીડિયો વાયરલ કર્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જગંલ વિસ્તારમાં વાઘ હોવાની માહિતી સામે આવતાં તેની સત્યતા ચકાસવા વનવિભાગના અધિકારીઓએ આજે ભારે જહેમત બાદ પૃષ્ટી કરી છે કે ગુજરાતમાં વાઘ છે. લુણાવાડા ગઢ ગામની સીમમાં વાઘ દેખાયાની તસ્વીર સ્થાનિક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

આ ફોટો વાયરલ થતા મહીસાગર વન વિભાગ હરકતમાં આવ્યું હતુ. વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત ૪૫ ગામમાં ૪૦૦થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ્સ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગે તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ગુપ્ત રીતે ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી નાઈટ વિઝન કેમેરા લગાવી દીધા હતા.

જેને કારણે ત્યાંથી પસાર થતાં પ્રાણીઓની તસવીરોને આધારે તેની પૃષ્ટી કરી શકાય. ફોરેસ્ટર રોહિત પટેલ અને તેમની ટીમે તસવીરમાં દેખાતા સ્થળોની તપાસ કરતાં વાઘ હોવાની સંભાવના સાચી જણાઈ હતી. જેને આમ છ મહિના બાદ ફરીવાર ગુજરાતમાં વાઘે દેખા દીધી હોવાની ચર્ચા માત્ર ચર્ચા નહીં પરંતુ નિશ્ચિત બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં હવે આ તસવીરને કારણે ગુજરાત જ એક એવું રાજ્ય બન્યુ છે કે જ્યાં સિંહ, વાઘ અને દીપડા એમ ત્રણેય હિંસક પ્રાણીઓ હોય. આ પહેલા ગત તા.૨૫ જુલાઈના રોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટી મહારાષ્ટ્ર નંદુરબાર વન વિભાગના ડી.સી.એફ. સુરેશ કેવટે કરી હતી. આ દરમિયાન જોવા મળેલા પંજાના નિશાન વાઘના હોવાનો અહેવાલ નાગપુર વાઈલ્ડ લાઈફ લેબમાંથી આવ્યો હતો. આમ ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘ દેખાવાની શરૂઆત થઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ) મુજબ, ગુજરાતમાં છેલ્લે ૧૯૮૫માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.

જયારે ૧૯૯૨માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. જો કે ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ ઘણા થતા રહ્યા છે. તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે. ગુજરાતમાં વાઘ હોવાનો નક્કર પુરાવો મળ્યો છે ત્યારે રાજ્યમાં ત્રણ મોટાં પ્રાણીઓ એવા સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય જંગલી પ્રાણી જોવા મળી જાય એવું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાત અને વાઘનો સંબંધ ઘણા દાયકાઓ જુનો છે. વર્ષ ૧૯૭૯માં સ્પેશિયલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એમ.એ.રશીદે વાઈલ્ડલાઈફ જર્નલ ચિતલમાં ગુજરાતમાંથી વાઘની સંખ્યા ઘટી રહી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લગભગ બે દાયકા પહેલાં ૧૯૯૮માં મહારાષ્ટ્રની સરહદે ડાંગના જંગલોમાં વાઘ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પહેલા થોડા સમય પહેલા પણ ડાંગના જંગલમાંથી મળી આવેલા વાઘના મળના નમૂનાને આધારે નાસિક જિલ્લાને અડીને આવેલા ડાંગના જંગલોમાં વાઘની વસ્તી હોવાની શકયતા દર્શાવી હતી. હવે ફરી એકવાર મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસેના જંગલ વિસ્તારમાં વાઘે દેખા દીધી હોવાની વાત સામે આવતાં વનવિભાગના અધિકારીઓ સહિત સરકારી તંત્રને મોટી આશા જાગી છે.

વાઘના અસ્તિત્વની વાત કરીએ તો, સમગ્ર વિશ્વના કુલ વાઘમાંથી ૭૦ ટકા વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા ૨૦૦૬માં ૧,૪૧૧થી વધીને ૨૦૧૪માં ૨,૨૨૬ થઈ છે. વાઘની વસતી ગણતરી ૨૦૧૪ અનુસાર, દેશના ૧૮ રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ઝારખંડ રાજ્યમાં પલામુ રિઝર્વમાં વાઘ જોવા મળે છે. કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ગોવાના સમાવેશ સાથેના વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં ૭૭૬ વાઘ છે. આંધ્રપ્રદેશ (તેલંગાણા સહિત), છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન અને ઝારખંડના સમાવેશ સાથેના સેન્ટ્રલ ઇન્ડિયન લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સ અને ઇસ્ટર્ન ઘાટ્સ કોમ્પ્લેક્સમાં ૬૮૮ વાઘ જોવા મળે છે. જ્યારે રાજ્ય પ્રમાણે, કર્ણાટકમાં સૌથી વધુ ૪૦૬ વાઘ નોંધાયા હતા, ત્યારબાદ ઉત્તરાખંડમાં ૩૪૦ વાઘ અને મધ્યપ્રદેશમાં ૩૦૮ વાઘ નોંધાયા હતા.