અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: 1994 બેચના ગોધરા રેન્જ આઇજી મનોજ શશિધરને એડિશનલ ડીજી તરીકે બઢતી મળવાની છે. તેમની સાથે 1995 બેચના બે આઇજી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ (આર.બી.બ્રહ્મભટ્ટ) અને શશિકાંત ત્રિવેદીને પણ એડિશનલ ડીજી તરીકે બઢતી મળવાની પુરી શક્યતા છે.

ગુજરાત કેડરના આઇપીએસ અધિકારીઓને બઢતી આપવા માટે ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી (DPC) ની બેઠક ગઇકાલે મંગળવારે મળી હતી. જેમાં ઘણા અધિકારીઓનો બઢતીનો માર્ગ મોકળો કરી દેવામાં આવ્યો છે. આ અગાઉ ગત 5 નવેમ્બરના રોજ ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટીની બેઠક મળવાની હતી પરંતુ તે દિવસે સચિવાલયમાં દીપડો ઘુસવાને કારણે બેઠક મુલતવી રહી હતી. ગઇકાલે મળેલી ડીપીસીમાં 1994 બેચના ગોધરા રેન્જના આઇજી મનોજ શશિધરને એડિશનલ ડીજીમાં, 2001 બેચ ને આઇજીમાં અને 2005 બેચને ડીઆઇજીમાં બઢતી આપવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત 2006 બેચને સિલેક્શન ગ્રેડ આપવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 1995 બેચના ત્રણ અધિકારીઓમાંથી રાજુ ભાર્ગવ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે. એડિશનલ ડીજી રેંકની જગ્યા ઉપર ગુપ્તચર વિભાગના ડીજીનો વધારાનો હવાલો સંભાળતા આઇજી આર.બી. બ્રહ્મભટ્ટ અને તેમની જ બેચના શશિકાંત ત્રિવેદીને પણ એડિશનલ તરીકે બઢતી આપવામાં આવશે. શશિકાંત ત્રિવેદી આગામી મે 2019માં વય મર્યાદાને કારણે નિવૃત્ત થવાના છે અને છેલ્લા ઘણા વર્ષોથી સાઇડ પોસ્ટિંગમાં રાખવામાં આવ્યા હોવાથી તેમને નિવૃત્તિ પહેલા એડિશનલ ડીજી તરીકે બઢતી આપવામાં આવે તેવી શક્યતા છે.

ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીઓ પહેલા 1 જાન્યુઆરી 2019થી અમલવારી થાય તે પ્રમાણે આ અધિકારીઓને બઢતીના હુકમો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.