મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : પાટણવાવના ભાડેર ગામે તારીખ 4 જુલાઈના રોજ જમીનના ડખ્ખામાં પાટીદાર વૃધ્ધ જીવણભાઈ પટેલ પર ફાયરિંગ કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા હત્યારાઓને ઝડપી પાડવાની મંગ સાથે 9 દિવસ સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો. તેમજ પટેલ સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર જઇ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ અંગેની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપ્યા બાદ લાશનો સ્વીકાર કરાયો હતો. LCBએ આ ઘટનાના ત્રણ આરોપીઓને 4 હથિયારો અને 27 કારટીસ સાથે ઝડપી લઈ સીઆઇડી ક્રાઈમને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

જમીન વિવાદ મામલે કુખ્યાત શખ્સોએ ભાડેર ગામે રહેતા પટેલ સમાજના જીવનભાઈ છગનભાઈ સાંગાણીનું અપહરણ કરીને ફાયરિંગ કરીને હત્યા નીપજાવી હતી. આ મામલે પટેલ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. પરિવારજનોએ આઠ દિવસ સુધી મૃતદેહ નહીં સ્વીકારતા પટેલ સમાજના આગેવાનોએ ગાંધીનગર ખાતે દોડી જઇને રજૂઆત કરી હતી. અને રાજ્ય સરકાર દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાની તપાસની ખાત્રી પણ આપવામાં આવી હતી. બાદમાં મૃતક પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. અંતિમયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, ધારાસભ્ય લલીત વસોયા, માજી ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ભાડેર ગામે થયેલી જીવણભાઈ પટેલની હત્યાના ત્રણ આરોપીઓ રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા, રહીમ ઉર્ફે ખુરી સાંઘ, અમીન ઇસ્માઇલ સાંઘને દબોચી લીધા છે. તેમજ આરોપીઓ પાસેથી દેશી બનાવટના તમંચા સહિત જુદા-જુદા 4 હથિયારો અને 27 કારટીસ કબ્જે લીધા હતા. જો કે સમગ્ર મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ તેમજ હથિયારોનો કબજો સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે.