મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: જિલ્લામાં એક પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને  શહેરમાં એક પોલીસ કમિશ્નર સારા આવે તો કાયદાને ખીસ્સામાં મુકી ફરતા ગુંડાઓ અને પૈસા અને સત્તાના જોરે પોલીસ ઉપર રોફ મારી રહેલા નેતાઓને પોલીસ  તેમની હેસીયત બતાડી શકે છે. અમરેલીમાં બિટકોઇન કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલ અને પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલની ધરપકડ થતાં અમરેલી ક્રાઈમ બ્રાન્ચમાં કોઈ આવવા તૈયાર ન્હોતા. આ સમયગાળામાં અમરેલીની કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ હતી કારણ કે જો પોલીસ અધિકારીને જ માત્ર પૈસામાં રસ હોય તો નાના પોલીસ કર્મચારીઓ પણ તે જ રસ્તે આગળ ચાલે છે.

પરંતુ બે મહિના પછી અમરેલીની એસપીની ખાલી જગ્યા ઉપર ગૃહ વિભાગે પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાયને મુકતા હવે અમરેલી પોલીસમાં જ કામ કરવાનો જુસ્સો પાછો આવ્યો છે. અમરેલીમાં કેટલાંક ગુંડા તત્વોએ અમરેલીને માથે લીધુ હતું. અમરેલીમાં કેટલીક ગેંગ પણ સામ-સામે આવી ગઈ હતી અને તે જાહેરમાં એક બીજા ઉપર જાહેરમાં ચાકુ વડે હુમલો પણ કરી દેતા હતા. જાણે તેમને મન કાયદાનું અસ્તીત્વ જ ન્હોતુ. નિર્લિપ્ત રાયે સૌથી પહેલા અમરેલીના જિલ્લાના મોટા ભાગના પોલીસ ઈન્સપેક્ટર્સની આંતરિક બદલી કરી નાખી અને બધાને તાકીદ કરી કરી કે કાયદા પ્રમાણે કામ કરજો અને કાયદો તોડનારને કાયદાની તાકાત બતાડજો.

અમરેલીના કુખ્યાત ઈરફાન ટાલકી ઉપર હરિફ ગેંગ દ્વારા ભરબજારમાં ચાકુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ડીએસપી નિર્લીપ્ત રાયે અમરેલી પોલીસને સુચના આપી કે અમરેલીના તમામ ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમને સમજાય છે તે જ ભાષામાં તેમની સાથે વાત કરો. નિર્લિપ્ત રાયના આદેશ બાદ અમરેલી પોલીસ હરકતમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી, જે ગુંડાઓને રંજાડને કારણે અમરેલીના લોકો ધ્રુજતા હતા તેમનું સરઘસ બજારમાં કાઢવામાં આવ્યુ અને આં ગુંડાઓ લોકોને હાથ જોડી માફી માગી રહ્યા છે.