મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડી કરાતી આતશબાજીમાં સુપ્રીમ કોર્ટે ઓછા એમિશનવાળા અને લાયસન્સ હોય તેમને જ ફટાકડાંનું વેચાણ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ ધ્વારા આજે આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઓનલાઈન ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની મંજુરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદના કલેકટર ધ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિયમોનું ચુસ્ત પાલન કરી રાત્રે નિયત સમય સિવાય ફટાકડા ફોડનાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાનું જણાવાયુ છે.

સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણ સહીત તેની મંજુરી અંગે આજે અગત્યનો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે ઓછા એમિશનવાળા અને લાયસન્સ હોય તેમને જ ફટાકડાંનું વેચાણ કરવાની મંજૂરી આપવા કહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાંનું વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે રજૂ કરેલા નિયમોનું પાલન કરાવવાની જબાવદારી દરેક વિસ્તારના એસએચઓની રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરાવાય તો તેમને અંગત રીતે દોષિત માનવામાં આવશે.

આ સાથે સુપ્રીમ કોર્ટધ્વારા ફટાકડાં ફોડવા માટેના નિયત સમય પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮થી 10 વાગ્યા સુધી જ ફટકડા ફોડવાની મંજુરી આપવામાં આવી છે. જયારે ક્રિસમસ અને ન્યૂ યરમાં રાતે ૧૧.૪૫થી ૧૨.૧૫ સુધી જ ફટાકડાં ફોડી શકાશે. આ ચુકાદા અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ફટકડાંઓના વેચાણ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. જેમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પ્રતિબંધના બદલે ફટાકડાંના ઉત્પાદન અંગે નિયમો કડક બનાવવામાં આવે તે સારો વિકલ્પ છે. જયારે ગયા વર્ષે કોર્ટે દિલ્હીમાં ફટાકડાંના વેચાણ ઉપર પ્રતિબંધ મુકતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ પ્રતિબંધ સામે તેમણે દલીલ કરી હતી કે, પ્રદૂષણ માટે ફટાકડાંથી વધારે અન્ય પણ ઘણી વસ્તુઓ જવાબદાર છે.