મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આજરોજ જોધપુર કોર્ટ દ્વારા બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા અને સુપરસ્ટાર સલમાન ખાનને કાળિયાર હરણના શિકાર મામલે દોષિત ઠેરવવામાં આવ્યો છે. જેમાં સલમાનને 5 વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પણ સલમાન ખાનને સજા થતા રાજકોટનો એક પરિવાર ખૂબ જ વ્યથિત બન્યો છે. તેમજ સલમાન ખાન સજા ભોગવી જલ્દીથી જેલમાંથી મુક્ત થાય એ માટે આ પરિવાર અલ્લાહ પાસે દુઆ કરી રહ્યો છે.

એપ્રિલ 2015માં સલમાન ખાનગોંડલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શૂટિંગ માટે આવ્યો હતો. ત્યારે ગોંડલના ભગવતપરામાં રહેતા અને રાજકોટ સાસરૂ ધરાવતા શબાનાબેન, તેના પતિ રફીકભાઇ માંડલિયા અને 9 વર્ષની વિકલાંગ પુત્રી માહિન સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયા હતા. દરમિયાન સલમાન શૂટિંગ માટે નીકળતા તેની નજર વિકલાંગ બાળકી માહિન ઉપર પડી હતી. સલમાને કાર થોભાવી લાઇન પ્રોડ્યુસર અજયભાઇ આહીરને આ બાળાને અને તેના પરિવારને સેટ પર લાવવા જણાવ્યું હતું. અને અજયભાઇ, માહિન અને તેના માતા-પિતાને લઇને શૂટિંગ ચાલતું હતું, ત્યાં લઇને આવ્યા હતા. 

સેટ પર આવતા જ સલમાને માહિન પર હેત વરસાવી તેના માતા-પિતા પાસેથી તેની બિમારી અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ બાળકી અને તેના પરિવારને આખો દિવસ સેટ પર રાખી બિસ્કિટ, ફ્રૂટ, જ્યૂસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા કરાવી માહિન સાથે તસવીરો પણ ખેંચાવી હતી. બાદમાં તેણે માહિનને બેટરી સંચાલિત કાર ભેટ આપી હતી. સલમાનની આત્મીયતા જોઇ માહિનના માતા-પિતાની આંખો ભીની થઇ ગઇ હતી.

સલમાન ખાનની આ મહામૂલી મદદ  અને આત્મીયતા ક્યારેય ન ભૂલી શકનાર આ પરિવાર આજે સલમાનના કપરા સમયમાં બીજું કાંઈ કરવા તો સક્ષમ નથી. પરંતુ સલમાન જલ્દીથી જેલમાંથી મુક્ત થાય તે માટે અલ્લાહને દુઆ કરી રહ્યો છે.