પ્રશાંત દયાળ.અમદાવાદઃ મુળ વ્યવસાયે મેડીકલ ડૉકટરની પ્રેકટીસ કરનાર રાજસ્થાનના ડૉ. વિપુલ અગ્રવાલ 2001માં ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બન્યા અને ગુજરાતમાં આવ્યા, અત્યંત પ્રમાણિક આઈપીએસ અધિકારી ડૉ વિપુલ ગુજરાતના રાજકારણના આટાપાટા અને પોલીસની મેલી રમતોથી અપરિચીત હતા. તેઓ પોલીસ સેવામાં જોડાયા ત્યાર બાદ તેમણે મુખ્યપ્રધાન પદે નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી પદે અમીત શાહને જોયા હતા. આ કાળમાં ડી જી વણઝારા અને અભય ચુડાસમાનો સુર્વણકાળ હતો, તેમના સિનિયર પોલીસ અધિકારીઓ પણ તેમને નારાજ કરવાનું પસંદ કરતા ન્હોતા.

2005માં બહુ ચર્ચીત શૌહારબઉદ્દીનનું બનાવટી એન્કાઉન્ટર સુપ્રીમ કોર્ટના આંગણે પહોંચી ગયું હતું અને ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી હતી, સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી હાથ લાગી હતી. જેમાં શૌહારબઉદ્દીનનું જ્યારે અપહરણ થયું ત્યારે તેની સાથે તેનો સાથી તુલસીરામ પ્રજાપતિ પણ હતો, જે તપાસ વખતે રાજસ્થાનની જેલમાં હતો, હવે સીઆઈડી ક્રાઈમ રાજસ્થાનની જેલમાં રહેલા તુલસી સુધી પહોંચી જાય તો વણઝારા એન્ડ કંપનીનો ભાંડો ફૂટી જાય તેમ હતો. તે પછી તુલસીને ખતમ કરવાની એક યોજના બની, જેના ભાગ રૂપે ડી જી વણઝારાની  એટીએસમાંથી બદલી કરી બોર્ડર રેન્જમાં મુકવામાં આવ્યા, પણ કચ્છ પોલીસે ખોટા એન્કાઉન્ટરમાં સાથ આપવાની ના પાડી દીધી, પરંતુ આશિષ પંડયા નામના એક સબઈન્સપેકટર જેનું પોસ્ટીંગ બનાસકાંઠામાં હતું તે બહુ ઉત્સાહીત હતા.

આશિષ પંડયા તુલસીનું કહેવાતુ એન્કાઉન્ટર કરવા તૈયાર થયા, તેના કારણે બનાસકાંઠામાં  તુલસીનું એન્કાઉન્ટર કરવાનું નક્કી થયું, ત્યારે બનાસકાંઠાના પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડૉ વિપુલ અગ્રવાલ હતા. જ્યારે તેમના સુધી એન્કાઉન્ટર કરવાની વાત પહોંચી ત્યારે તેઓ પોતાની ડીઆઈજી ડી જી વણઝારાને ના પાડી શક્યા નહીં અને તેઓ મૌન બની તેમના ખોટા કામમાં ભાગીદાર થયા. ત્યાર બાદ તુલસી પ્રજાપતિ રાજસ્થાન પોલીસના જાપ્તામાંથી ભાગ્યો તેવી એક ખોટી સ્ટોરી ઊભી કરવામાં આવી અને નક્કી થયા પ્રમાણે પીએસઆઈ આશિષ પંડયાએ અંબાજી પાસે છાપડી ગામે તા 5 ડીસેમ્બર 2006ના રોજ તુલસીની હત્યા કરી નાખી.

ડીએસપી તરીકે વિપુલ અગ્રવાલ જાણતા હતા કે વણઝારા અને આશીષ પંડયા એક ખોટુ કામ કરી રહ્યા છે. પણ તે ચુપ રહ્યા. બનાવની રાતે તેઓ નાઈટ રાઉન્ડમાં હોવા છતાં તેમણે પોતાનો સરકારી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો. બધુ સારી રીતે પુરુ થઈ ગયું છે તેવું બધાએ માની લીધુ, પણ જ્યારે કાયદાનું પાણી હવે પોતાના માથા ઉપરથી પસાર થશે તેવો ડર લાગતા ખુદ સીઆઈડી ક્રાઈમે જ અગ્રવાલની તુલસી કેસમાં ધરપકડ કરી. લાંબો સમય વિપુલ અગ્રવાલ જેલમાં રહ્યા અને બાદમાં જામીન ઉપર છુટયા અને પોતાની સારી કારર્કિદી ઉપર પાણી ફેરવી દીધુ, તાજેતરમાં થયેલી આઈપીએસ અધિકારી બદલી ડૉ વિપુલ અગ્રવાલની પણ બદલી થઈ છે અને તેઓ હવે અમદાવાદ શહેરમાં મુકાયા છે. જેમની પાસે એડમીસટ્રેશન હેડકવાર્ટરની જવાબદારી રહેશે.