અનિલ પુષ્પાંગદન, (મેરાન્યૂઝ, ગાંધીનગર): બાળપણથી પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન આ અધિકારીએ પીએસઆઇ બન્યા પછી GPSCમાં સાતમો ક્રમ મેળવીને પૂર્ણ કર્યું હતું. આ અધિકારીનું સ્વપ્ન માત્ર પોલીસ અધિકારી બનવાનું જ ન હતું પરંતુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો પોતાનો શોખ તેમણે પોલીસ અધિકારી બન્યા પછી પૂર્ણ કર્યો હતો.

વર્ષ 2011 બેચના ડાયરેક્ટ ડીવાયએસપી થયેલા વિજય પટેલને ગત વર્ષે એસપી રેન્કમાં બઢતી મળી હતી. પરંતુ હાલમાં તેઓ ગાંધીનગરમાં એડિશનલ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કેમેસ્ટ્રી સાથે એમએસસી થયેલા વિજય પટેલ મધ્યમ પરિવારમાં અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ઉછર્યા છે. વિજય પટેલને નાનપણથી ફોટોગ્રાફીનો શોખ હતો. તેમના પિતાએ વર્ષ 2003માં સાદો કેમેરો ભેટ તરીકે આપ્યો હતો. પરંતુ આ કેમેરાથી તેઓ મોટાભાગે ફેમિલિના ફોટો જ પાડતા હતા. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે તરત જ જીપીએસસીની પરીક્ષાની આપવાની તૈયારીઓ શરુ કરી હતી. વર્ષ 2006માં પ્રિલિમનરી પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા મામલે કોર્ટ કેસ થવાના કારણે 2008માં મેઇન પરીક્ષા લેવાઇ હતી અને 2011માં પરીક્ષા સાતમાં ક્રમે પાસ કરીને ડીવાયએસપી બન્યા હતા.

વર્ષ 2006માં ડીવાયએસપીની પરીક્ષા આપ્યા બાદ આ કોર્ટ મેટર થવાના કારણે 2008માં અન્ય ભરતીમાં પીએસઆઇ થયા હતા અને અઢી વર્ષ સુધી ભાવનગરમાં ફરજ બજાવી હતી. વિજય પટેલનો મૂળ શોખ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો હતો. આ શોખ ડીવાયએસપી બન્યા પછી પૂર્ણ કર્યો હતો. તેઓ ભારતના પ્રસિદ્ધ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સુધીર શિવરામ સાથે ફોટોગ્રાફી કરી ચુક્યા છે અને રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં વાઘની ફોટોગ્રાફી કરી છે. પોલીસીંગ ઉપરાંત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ પૂર્ણ કરવા તેઓ વર્ષમા એક વખત રજા લઇને ફોટોગ્રાફી કરવા માટે જંગલો ખૂંદે છે.   

એસપી વિજય પટેલે મેરાન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ભવિષ્યમાં તેમને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં ક્લિક કરેલા ફોટોઝનું એક્ઝિબિશન યોજશે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અંગે તેમણે જણાવ્યુ કે જંગલમાં ફોટોગ્રાફી કરવા જાવ ત્યારે કોઈપણ પશુ-પંખીઓ વિશે પણ તેમને નોલેજ હોવું જોઈએ જેથી તેમની સારી ફોટોગ્રાફી કરી શકાય. જંગલી પ્રાણીના ફોટો મેળવવા કલાકો સુધી મહેનત કરવી પડે છે.