મેરાન્યૂઝ નેટવર્ક, ગોંડલ: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ના નામે જાણીતી બનેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દેશભરના ક્રિકેટ પ્રેમીઓને ઘેલું લગાડ્યું છે. તો આ ટુર્નામેન્ટમાં ક્રિકેટની રમત ઉપરાંત ખેલાડીઓની હેર સ્ટાઈલના પણ વખાણ થતા હોય છે ત્યારે આઈપીએલમાં હોટ ફેવરીટ ગણાતી મુંબઈ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓને ગોંડલનો યુવાન સ્માર્ટ લૂક આપી રહ્યો છે.

આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલાડીઓ પણ નવા રંગરૂપ ધારણ કરી રહ્યા છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓને ગોંડલનો યુવાન નવો સ્ટાઇલિશ લુક આપી રહ્યો છે ગોંડલના નાની બજાર ખાતે આવેલ નાગર શેરીમાં રહેતાં અને છેલ્લા 10 વર્ષથી હેર કટીંગનું કામ કરતા વીરેન બગથરીયા દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓને આકર્ષક લુક આપવામાં આવી રહ્યો છે. આ માટે તેઓ દ્વારા હાઈલાઇટ્સ, ન્યૂ લૂક, હેર કટીંગ, મસાજ, સ્પા વગેરે કરાવવામાં આવી રહ્યું છે. વીરેન બગથરીયા માત્ર ૧૭ વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ હેર કટીંગમાં માસ્ટરી ધરાવતો હોય તેઓ દ્વારા મિથુન ચક્રવર્તી, પ્રભુદેવા, વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસાની ફિલ્મી કલાકારોને પણ હેર સ્ટાઈલ અને સ્ટાઇલિશ લુક કરી આપવામાં આવ્યા છે. ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓને આકર્ષક લુક આપી ગોંડલનું પણ ગૌરવ વધાર્યું છે. વીરેન બગથરીયા બકરિયા પાસે આજે જ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડી પ્રદીપ સંઘવાન, વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી પોલાર્ડ, મોહસીન ખાન વિગેરે હેર સ્ટાઇલ કટીંગ કરાવેલ છે. હાલ તે મુંબઈ ઇન્ડિયન ટીમ સાથે મુંબઈની હોટલમાં જ રોકાયેલા હોય અને ખેલાડીઓને સ્માર્ટ લૂક આપી રહ્યો છે અને લાખો ક્રિકેટ પ્રેમીઓના ફેવરીટ પ્લેયરને આકર્ષક અને સ્માર્ટ લૂક આપી રહ્યો છે.