મેરાન્યૂઝ નેટવર્ક. પોરબંદર : સોશ્યલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી એવા પ્રકારની કલીપ ફરતી થઈ હતી કે, શહેરના કમલાબાગમાં  હિંચકો આપમેળે ઝુલે છે અને તેમાં કોઈ ભૂત બેઠું છે તેથી તે ઝુલાવી રહ્યું છે. આ પ્રકારની સવા મિનિટની ક્લીપને કારણે પોરબંદરના કમલાબાગમાં આવતા લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં ભય ફેલાઈ ગયો હતો. જેથી સોબરગૃપે આનું ખંડન કરીને તૂત હોવાનું નિર્દશન આપી સાચી હકીકત રજૂ કરી છે.

સોબરગૃપના ચેરમેન દિલીપભાઈ ધામેચા અને તેમની ટીમના સભ્યો ખુશ્બુબેન કક્કડ સહિતનાઓએ આ કલીપ અંગે તપાસ કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે, જે કલીપ ફરતી થઈ છે એ ક્લીપ અન્ય રાજ્યની છે. કેમ કે, તેમાં અમુક શબ્દોનું ઓડિયો રેકોર્ડીંગ થયું છે તે પરપ્રાંતિયોની ભાષા છે. એટલું જ નહીં પરંતુ કમલાબાગમાં જે ઝુલા આવેલા છે ત્યાં આ પ્રકારે લોખંડની ગ્રીલ પણ નથી. જેવી કલીપમાં બતાવાઈ છે. એટલું જ નહીં પરંતુ જે વીડિયો ક્લીપ ફરતી થઈ છે તેમાં ધ્યાનથી જોવામાં આવે તો સ્પષ્ટપણે જણાય છે કે, કોઈ ભૂત નહીં પરંતુ ઝુલા સાથે પાતળી પારદર્શક દોરી બાંધીને તેનાથી હિંચકાને ખેંચવામાં આવે છે.

વીડિયો કલીપ ફરતી થઈ હોવાના કારણે પોરબંદરના કમલાબાગમાં ફરવા આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. સવારે મોર્નિંગ વોક માટે લોકો આવે ત્યારે પણ ઝુલાને શંકાની નજરે જોતા હતા. એટલું જ નહીં પરંતુ સાંજે અસંખ્ય લોકો તેમના બાળકોને લઈને ફરવા માટે અને ખાસ કરીને ઝુલે ઝુલાવા માટે આવે છે પરંતુ તેઓ પણ  ભય અનુભવતા હતા. ઝુલે ઝુલવા આવતા બાળકોની સંખ્યા ઘટી ગઈ હતી. લોકોમાં ફેલાતા આ ભયને દૂર કરવા દિલીપભાઈએ એક ઝુલા સાથે પારદર્શક સફેદ રંગની દોરી બાંધીને ઝુલાની સાથે જ ખેંચીને તે ઝુલતી હોવાનું સાબિત કરી બતાવ્યું હતું અને બાળકોને જણાવ્યું હતું કે, આ રીતે ઝુલો ઝુલી રહ્યો છે તેમાં કોઈ ભુત પ્રેતનો વાસ નથી.