મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં નવી કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કોર્ટ શરુ થતાના પ્રથમ દિવસથી જ કોર્ટ સંકુલમાં ધાંધિયા શરુ થઇ ગયા હતા. જેમાં પહેલા તો વકીલો માટેની અપુરતી સુવિધાના કારણે આંદોલનો થયા અને ત્યારબાદ હવે કોર્ટ સંકુલમાં એન્ટ્રીના રસ્તા પર જ બેરીયર્સ લગાવી દેતા કોર્ટની મુદ્દતે કે કોર્ટના કામે વ્હીલ ચેરમાં આવેલા એક વ્યક્તિની વ્હીલ ચેર બેરીયર્સમાંથી નહીં નિકળતા ફરી એક વાર વડોદરાની કોર્ટ વિવાદોમાં ઘેરાઇ છે. જે અંગેનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.

વડદોરામાં રૂ. 131 કરોડના ખર્ચે નિર્માણ થયેલી સ્ટેટ ઓફ એશિયાની સૌથી મોટી જીલ્લા અદાલતનું ગત તા. 17મી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બીજા દિવસથી આ કોર્ટની શરુઆત કરવામાં આવવાની હતી, જ્યાં ટેબલ ખુરશી લઇને પહોંચેલા વકીલોને બેસવાની અપુરતી સુવિધા હોવાથી આ મુદ્દે ડીસ્ટ્રીક જજની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા. જ્યાં વકીલો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને આ મુદ્દે કેટલાક દિવસો સુધી વકીલો દ્વારા આંદલોન પણ કરવામાં આવ્યું.

જોકે ત્યારબાદ ફરી એક વખત વડોદરા કોર્ટ વિવાદોમાં ઘેરાઇ છે. જ્યાં છેલ્લા 24 વર્ષથી ચાલતા એક કેસની મુદત માટે વ્હીલ ચેરમાં બેસીને આવેલા એક વ્યક્તિની વ્હીલર ચેર કોર્ટ સંકુલમાં લાગેલા બેરીયર્સમાંથી પસાર જ થતી ન હતી. જેથી તેમણે કોર્ટના બીજા ગેટમાં પ્રવેશ મેળવવાનું પ્રયાસ કર્યો હતો, પરંતુ સિક્યુરીટી સ્ટાફે તેમને પ્રવેશવા ન દીધા, જેથી મામલો બીચકાયો હતો. જે અંગેનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.