મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના લખતરમાં ચોર ગેંગ ફરીથી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે જીલ્લાના ધ્રાંગધ્રા વઢવાણના રાજમહેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. ત્યારે ગઈકાલે રાત્રે લખતરની મધ્યમાં આવેલી રણછોડજીની હવેલીમાં મોડી રાત્રીના અરસામાં તસ્કરો ત્રાટક્યા હતાં અને મોટા પ્રમાણમાં સોના, ચાંદીની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે.

લખતરના રણછોડજીની મૂર્તી સહિત સોનાના આભુષણો સોના અને ચાંદીના થાળી વાટકા સહિત સામગ્રીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતાં. લખતરના રાજમહેલમાં ચોરી થયાના સમાચાર વાયુવેગે પ્રસારિત થતા લોકોના ટોળે ટોળે રાજમહેલ આવી પહોચયા હતાં અને આ ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાઇએસપી બી. એમ. વસાવા, લખતર પીએસઆઇ એમ. કે. ઇસરા, એફ.એસ.એલ ડોગ સ્કવૉડ સહિત ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ચોરી અંગેનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ હતી અને કેટલી કિંમતના સોના ચાંદીની ચોરી થઇ તેની ગણતરી ચાલુ કરાઈ હતી. આ ઘટનાનો ભેદ ઉકેલવા એફ. એસ. એલ અને ડોગ સ્ક્વૉડની મદદ લેવાઇ રહી છે. વધુ તપાસ ડીવાયએસપી  બી. એમ. વસાવા ચલાવી રહ્યા છે.