મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ એક તરફ પોતાની કારકિર્દીનો સવાલ હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હતી તો બીજી બાજુ બાતમીદારનો વિશ્વાસ સંપાદન કરવાની વાત હતી. આવા સંજોગોમાં કાળા માથાનો માનવી કારકિર્દીને અગ્રતા આપે એ સહજ પ્રક્રિયા છે. પણ, આપણે જે જમાદારની વાત કરી રહ્યા છીએ તેમણે કારકિર્દીના બદલે બાતમીદારનો વિશ્વાસ સંપાદન કરવાની વાતને અગ્રતા આપી. પરિણામે દોઢ કરોડની લૂંટ કરનારી ખૂંખાર ગેંગ ઝબ્બે થઈ.

આપણે વાત કરી રહ્યા છીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષ રાધેબિહારીની. થોડા દિવસો પૂર્વે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ કરી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ અને સોના-ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂ. દોઢ કરોડની સનસનીખેજ લૂંટ થઈ હતી. આ લૂંટ જે ટોળકીએ કરી હતી તે ટોળકી અંગેની માહિતી એક બાતમીદારે શૈલેષ રાધેબિહારીને આપી. જે દિવસે બાતમી મળી એ અનુસાર તેમને બિહાર જવાનું થતું હતું. તેના બીજા જ દિવસે શૈલેષ રાધેબિહારીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવાની હતી. એક તબક્કે આ જમાદારે એવું પણ વિચાર્યું કે બાતમી અન્ય કોઇ અધિકારીને આપી પોતે પરીક્ષા આપવા જતા રહે. પણ, બન્યું એવું કે બાતમીદારે સ્પષ્ટ ના પાડી દીધી કે, અન્ય કોઇને પણ બાતમી આપશો તો હું કામ નહીં કરું એવું બાતમીદારે કહી દીધું. પરિણામે આ જમાદાર માટે હવે યક્ષ પ્રશ્ન ખડો થયો. પ્રશ્ન હતો કે કારકિર્દીને પ્રાધાન્ય આપવું કે બાતમીદારને સાચવી લેવો. બસ, થોડી ગડમથલ બાદ આ જમાદારે પોલીસ ખાતાને છાજે તેવો નિર્ણય લીધો. કારકિર્દીને ગૌણ ગણી જમાદાર શૈલેશ રાધેબિહારીએ બાતમીદારને સાચવી લેવા પર ભાર મૂક્યો અને બાતમીદારના કહેવા પ્રમાણે તુરંત જ બિહાર જવા રવાના થયા.

હવે, તાબડતોબ ત્યાં પહોંચ્યા તો ખરા પણ હાલત એ થઈ કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહાર પહોંચી એ સમયે લૂંટારુ ટોળકી બિહારથી સુરત આવી પહોંચી હતી. એ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરત સુરત આવી અને બાતમીદારના ઇશારા પર ખૂંખાર ગેંગ ઝબ્બે કરી. આ રીતે કારકિર્દીને ગૌણ ગણી બાતમીદારને સાચવી લેવાનો નિર્ણય કરનારા જમાદારના આ નિર્ણયને સલામ મારવી જ પડે.

આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે અમારી એક ટીમ તાબડતોબ બિહાર ગઈ હતી, પણ ગુનેગારો ત્યાંથી સુરત આવ્યા હોવાની વાત થતાં પરત આવી ગઈ હતી અને તમામને બાતમીના આધારે સુરતના કરડવા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા હતા.