મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: એક ખાનગી ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે ગત 20 જુનનાં રોજ વડાપ્રધાન મોદીએ કૃષિ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના કાંકેર જીલ્લાના કન્હાપુરીમાં ચંદ્રમણિને સવાલ કર્યો હતો. મોદીએ ચંદ્રમણિને પુછ્યુ હતું કે પહેલા કરતા તમારી આવક કેટલી વધી? ચંદ્રમણિએ જવાબ આપ્યો કે હાલ બેગણી આવક થઇ છે.ચંદ્રમણિની આ વાતને સરકારે પોતાની મોટી સિદ્ધિ તરીકે રજૂ કરી હતી. જ્યાર બાદ એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા પોતાનો એક રિપોર્ટર ચંદ્રમણિનો ઇન્ટરવ્યુ કરવા માટે મોકલ્યો હતો.

આ ઇન્ટર્વ્યુમાં ચેનલના રિપોર્ટરે ચંદ્રમણિને સવાલ કર્યો હતો કે ડાંગરની ખેતીથી તમારી આવક બમણી થઇ છે? જેના જવાબમાં ચંદ્રમણિએ ના નથી થઇ. તેણે દિલ્હીથી આવેલા અધિકારીઓના કહેવાથી બમણી આવક થઇ હોવાની વાત કરી હતી.

ખાનગી ચેનલ દ્વારા કન્હાપુરીના સરપંચ પરશુરામ ભોયર સાથે મુલાકાત કરવામાં આવતા સરપંચે પણ કહ્યું કે કૃષિ વિભાગની દિલ્હીથી જે ટીમ આવી હતી તેમણે કહ્યું તે પ્રમાણે ચંદ્રમણિએ નિવેદન આપ્યું છે. પરંતુ હકિકતમાં કૃષિ ક્ષેત્રમાં આવક બમણી થઇ જ નથી.

જ્યાર બાદ કેન્દ્રિય મંત્રી અને ભાજપના પ્રવક્તાએ સોશિયલ મીડિયામાં ચેનલના ન્યૂઝને ફેક ન્યૂઝ ગણાવ્યા અને #UnfortunateJournalism ટ્રેડિંગ થવા લાગ્યું. સરકારના મંત્રીઓનો દાવો હતો કે ચંદ્રમણિએ સીતાફળના પલ્પમાંથી થતી આવક બમણી થઇ છે તેમ જણાવ્યુ હતું. જ્યારે પત્રકાર ડાંગરની ખેતીના સવાલ ચંદ્રમણિને કરી રહ્યો છે. જેથી ન્યૂઝ ચેનલ દ્વારા ફરી એક વખત પત્રકારને ચંદ્રમણિના ઘરે મોકલવામાં આવ્યો અને જે રિપોર્ટ પ્રસારિત થયો તે મોદી સરકાર માટે એક મોટા આંચકા સમાન હતો.

 

ચંદ્રમણિએ ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને જણાવ્યું કે સીતાફળના પલ્પના વેચાણથી થતી આવક બમણી થઇ છે. પહેલા 50 રૂપિયાની આવક થતી હતી હવે દરરોજ 700 રૂપિયા કમાઇએ છીએ. પરંતુ જ્યારે પત્રકારે પુછ્યુ કે 700 રૂપિયામાં કેટલી ભાગીદાર મહિલાઓ છે? જેના જવાબમાં ચંદ્રમણિએ કહ્યું કે ગામની 12 મહિલાઓએ જૂથ બનાવી કામગીરી કરી છે અને તમામનો હિસ્સો સમાન છે. હવે જો ગણતરી કરવામાં આવે તો એક મહિનામાં 21000 રૂપિયા આવક 12 મહિલાઓ વચ્ચે થાય. એટલે કે દરેક મહિલાના હિસ્સામાં 1750 રૂપિયા આવે અને પ્રતિ દિવસ પ્રમાણે ગણીએ તો દરેક મહિલાને પ્રતિ દિવસ 58 રૂપિયા 33 પૈસાની કમાણી થાય. ચંદ્રમણિના દાવા અનુસાર પહેલા તે 50 રૂપિયા કમાતા હતા અને હવે 58 રૂપિયા કમાય છે તો તેમની આવક બમણી કેવી રીતે થઇ કહેવાય? ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર દ્વારા ગામના આ જૂથમાં કામ કરતી અન્ય મહિલા પુષ્પા માનિકપુરી સાથે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યુ કે તેમની આવકમાં કોઈ ફેર પડ્યો નથી. અમને કોઈ ફાયદો નથી થયો. અમે જે રકમ આ ગૃપ બનાવવા ભરી હતી તેનું વળતર નથી મળ્યું. આમ વડાપ્રધાન મોદી અને મહિલાએ કર્યો દાવો પોકળ સાબિત થયો છે.