મેરાન્યુઝ નેટવર્ક, નવી દિલ્હી:  ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધ વખતે લોંગેવાલા પોસ્ટ પરના જંગના હીરો બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું અવસાન થયું છે. માત્ર ૨૨ વર્ષની ઉમરે જ પાકિસ્તાન સેનાને આખી રાત ખાળી રાખ્યા બાદ પાકિસ્તાનના સૈનિકોને ધુળ ચાટતા કરનાર કુલદીપસિંહ ચાંદપુરીએ કેન્સરની સારવાર દરમિયાન મોહાલી હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૭૭ વર્ષીય કુલદીપસિંહ ચાંદપુરીને લોંગેવાલામાં બહાદુરી દાખવવા બદલ મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
      
‘બોર્ડર’ ફિલ્મ જેના પરથી બનાવી હતી તે લોંગેવાલા પોસ્ટના હીરો બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીનું અવસાન થયું છે. લોંગેવાલા જંગમાં બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરીએ ૯૦ જવાનોની સાથે પાકિસતાનના ૨૦૦૦ જેટલા સૈનિકોને પરાસ્ત કર્યા હતા. ૨૨ નવેમ્બર,૧૯૪૦ના રોજ કુલદીપસિંહનો જન્મ હિન્દુસ્તાનના પંજાબ ક્ષેત્રમાં થયો હતો. ત્યારબાદ સમગ્ર પરિવાર તેમના પૈતૃક ગામ પંજાબના બલચૌર પાસે આવેલા ચાંદપુર રૂડકીમાં આવી ગયો હતો. હોશિયારપુર કોલેજમાંથી ગ્રેજ્યુએટ થનાર કુલદીપસિંહ ચાંદપુરી એનસીસીમાં સક્રિય રહ્યા બાદ ૧૯૬૨માં સેનામાં ભરતી થયા હતા.       
બ્રિગેડીયર કુલદીપસિંહ ચાંદપુરી ચેન્નાઈ ખાતે ઓફીસર્સ ટ્રેનીંગ એકડેમીમાં તાલીમ લઇ પંજાબ રેજીમેન્ટની ૨૩મી બટાલિયનમાં જોડાયા હતા. ભારતીય સેનામાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લેનાર કુલદીપસિંહ ચાંદપુરીને બહાદુરી અને વીરતાની ઘણી પ્રસંશા મળી હતી. આ ઉપરાંત સંયુકત રાષ્ટ્રના આપાતકાલીન દળમાં તેમણે એક વર્ષ સુધી ગાઝામાં સેવાઓ આપી હતી. છેલ્લે એક ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે, જો મને ફરી માનવ જન્મ મળે તો હું ભારતીય સેનામાં જ જોડાવવાનું પસંદ કરીશ.