પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નવી સરકારે સોગંદ લીધા ત્યારે ત્યાં એક જુદુ જ દ્રશ્ય હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સોગંદવિધી બાદ તેમનું હ્રદયપુર્વક અભિવાદન કરતા પુર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ પાટીલ નજરે પડ્યા. જ્યારે રાજસ્થાન સરકારની સોગંદવિધી બાદ જ્યોતિરાદિત્ય સિંઘીયાને વ્હાલપુર્વક નજીક લઈ પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આશીર્વાદ આપ્ય હતા. હજી થોડાક દિવસો પહેલા ચૂંટણીમાં એકબીજા સામે બાયો ચઢાવી ફરતા રાજસ્થાન અને મધ્યપ્રદેશના નેતાઓ સરકાર બદલાઈ તેની સાથે પોતાના તેવર બદલી નવી સરકારને અભિનંદન આપવા ભાજપના નેતાઓ પહોચી ગયા હતા. વાત અહિયા ભાજપ-કોંગ્રેસની નથી. પરંતુ એક વૈચારિક પુખ્તતા કોને કહેવાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. મને બીજા રાજ્યોની ખાસ ખબર નથી પરંતુ ગુજરાતમાં જે પક્ષ વિરોધ પક્ષમાં હોય તો માત્રને માત્ર જાહેરમાં રાજ્ય સરકારને ભાંડવાનું જ કામ કરે છે. વિરોધ પક્ષ માને છે કે તેણે સરકારની ટીકા કરી એટલે તેમની જવાબદારી પુરી અને પ્રજાનું કામ થઈ ગયુ.

જો સરકારને ગાળો આપવાથી પ્રજાના કામ થતાં હોય તો રોજ ગાળો આપવી જોઈએ પણ ખરેખર તેવુ થતુ નથી. ગત માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં વિજય રૂપાણી સરકાર પર ટીકાઓ કરવા તુટી પડ્યા હતા, તેમનો આરોપ હતો કે રાજ્યનાં એક પણ વિભાગમાં કામ થતુ નથી અને પ્રજા દુખી છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પ્રશ્નોત્તરીકાળમાં પણ તેમના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા. આમ સત્ર સરકાર ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી. વિધાનસભામાં ભારે ધમાલ અને ઘોંઘાટ વચ્ચે કોઈને કંઈ જ સમજાય નહીં તેવો માહોલ  ઉભો થયો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સરકારનો બચાવ કરવા અને કોંગ્રેસના આરોપનો જવાબ આપવા ઉભા થયા હતા. તેમણે બહુ સુચક વાત કોંગ્રેસી ધારાસભ્યોને કરી હતી. તેમણે કોંગ્રેસના ધારાસભ્યને સવાલ પુછ્યો હતો કે તમારે તમારા વિસ્તારના લોકોના પ્રશ્નનોમાં રસ છે કે અમને ગાળો આપવામાં રસ છે?

નિતીન પટેલે કહ્યુ કે મેં જોયુ છે બજેટ સત્રમાં એક મહિના સુધી સરકારને ભીંસમાં લેતા ધારાસભ્ય બજેટ સત્ર પુરુ થાય એટલે પ્રજાના પ્રશ્ન ભુલી જાય છે. મારી વિનંતી છે કે અમારી ટીકા કરતા ધારાસભ્ય બજેટ સત્ર સિવાય પણ અમારી ચેમ્બરમાં અગાઉથી સમય લઈ તેમના પ્રશ્નો સાથે આવશે તો હું મારા વિભાગના અધિકારીઓને પણ હાજર રાખીશ અને ત્યાં જ તમારા વિસ્તારના પ્રશ્નનો ઉકેલ આવી જશે. મેં મારા ત્રીસ વર્ષના રિપોર્ટીંગમાં જોયુ છે કે ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલુ હોય ત્યારે સરકારને આક્ષેપોના ચાબુક ફટકારતા ધારાસભ્યો આડા દિવસોમાં લોકોને લઈ મંત્રીઓ પાસે પ્રજાના કામ લઈ જતા નથી. માત્ર અખબાર અને ટીવીમાં તેમને સ્થાન મળે તે પ્રકારની સરકારની ટીકા કરતા હોય છે પણ તે ટીકા પરિણામમાં રૂપાંતરીત થતી નથી.

વડગામનો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મારો અંગત મિત્ર છે, તે ધારાસભ્યો ન્હોતો તે પહેલાથી અમે મિત્રો છીએ. તે અપક્ષ ધારાસભ્ય છે. જીજ્ઞેશ મેવાણી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના કડક ટીકાકાર છે. મારે તેની સાથે પણ એક વખત ચર્ચા થઈ હતી. મેં કહ્યુ હતું કે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારની ટીકા ચાલુ રાખ પરંતુ વડગામની જે પ્રજાએ તને મત આપ્યો છે અને તેમના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલ્યો છે તેમના કામ તો થવા જોઈએને? માત્ર વિધાનસભા અને રસ્તા ઉપર ઉભા રહી ભાજપને ગાળો આપીશુ તો વડગામના લોકોના કામ થવાના નથી. મેં તેને સુચન કર્યુ હતું કે તને ભાજપવાળા પણ પસંદ કરતા નથી તો કંઈ વાંધો નહીં, તુ વડગામના દસ પ્રશ્નો તૈયાર કર, જે દિવસે ધારાસભ્યનો દિવસ હોય તે દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા જઈ વિનંતી કર કે સાહેબ આ મારા મત વિસ્તારના પ્રશ્નો છે તમે જરૂરી આદેશ આપો.

મેં તેને કહ્યુ તારો ઝુકાવ કોંગ્રેસ તરફ છે, તુ અપક્ષ ધારાસભ્ય છે અને વડગામની પ્રજાએ ક્યાં ભાજપને મત આપ્યા છે? તેવુ કહી વિજય રૂપાણી તને કામ કરવાની ના પાડશે નહીં. તારા દસ કામમાંથી પાંચ કામ તેઓ જરૂર કરશે. પાંચ વર્ષ પછી તુ વડગામની પ્રજાને કહી શકીશ કે મેં તમારા 200 પ્રશ્નો સરકારમાં રજુ કર્યા તેમાં 100 પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ છે. આમ વિરોધ પક્ષના તમામ ધારાસભ્યએ માત્ર સરકારને ગાળો આપવાને બદલે પોતાના મત વિસ્તારના પ્રશ્નો તૈયાર કરી મુખ્યમંત્રી અને મંત્રીઓનો જીવ ખાઈ જવો પડશે તો જ પ્રજાના કામ થશે. જો હાલમાં કોંગ્રેસના ધારાસભ્યો સરકારને જાહેરમાં ગાળો આપવાને બદલે આ પ્રકારે પ્રજાના કામ લઈ સચિવાલય પહોંચી જશે તો વિજય રૂપાણી સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ જશે, તે પ્રજાના કામની ના પણ પાડી શકશે નહીં અને કોંગ્રેસના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં છાતી કાઢી ફરી શકશે.