નવી દિલ્હીઃ ઉદ્યોગોએ લોન લીધા પછી પૈસા હોવા છતાંય પરત ન કરનારાઓને કારણે બેન્કોની ફસાયેલી મૂડી પાછી મેળવવા માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ ફેરફારોને કારણે ઉદ્યોગોને બેન્કોને લૂંટવાનો પરવાનો મળી રહ્યો છે. ઉદાહરણ આપીને વાત કરીએ. ભૂષણ સ્ટીલે બેન્કોને રૂ. 56000 કરોડ ચૂકવવાના બાકી હતી. પરંતુ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા પછી રૂ. 35200 કરોડમાં સમાધાન કરવાનું નક્કી થયું. ટાટા સ્ટીલે રૂ.35200 કરોડમાં આ કંપની ખરીદી લેવાની તૈયારી દર્શાવી અને સમાધાન થઈ ગયું. પરિણામે બેન્કોના રૂ.20,800 કરોડ એક ઝાટકે ડૂબી ગયા.  આ જ કારણોસર 31મી જુલાઈએ આઈબીસી કોડમાં બીજો સુધારો લોકસભામાં મંજૂર કરવામાં આવ્યો ત્યારે જ તેની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. એનસીએલટી અને બેન્કો તેમના પૈસા આવશે જ નહિ તેવા ગણિતો સાથે સમાધાન કરી રહ્યા છે. તેથી તેનો પૂરેપૂરો ગેરલાભ વેપાર ઉદ્યોગો ઉઠાવી રહ્યા છે. તેથી જ મોટા ઉદ્યોગોના લાભાર્થે આઈબીસીમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એ.વેંકટાચલમ પણ કહે છે, આઈબીસીમાં કરવામાં આવી રહેલો સુધારો ઉદ્યોગો દ્વારા બેન્કોને લૂંટવાનો પરવાનો આપવાની જ એક ચાલ છે. તેનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, આલોક ઇન્ડસ્ટ્રીઝે બેન્કોને રૂ. 30000 કરોડ ચૂકવવાના બાકી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તે રૂ. 5000 કરોડમાં ખરીદી લેવા તૈયાર છે. આ સંજોગોમાં બેન્કોને બીજો રૂ. 25000 કરોડનો ચૂનો લાગી જવાની સંભાવના રહેલી છે. નાની બેન્કો આ આંચકા સહન ન કરી શકે તેથી જ કદાચ વિદેશની મોટી બેન્કો સામ હરીફાઈ કરવાને નામે રાષ્ટ્રીયકૃત બેન્કોના વિલીનીકરણને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજું એક કારણ એ પણ છે કે બેન્કોની એનપીએ વધે ત્યારે સરકારે બેન્કોની સંગીનતા વધારવા માટે સમયાંતરે મૂડી ઉમેરવી પડે છે. આ વરસે પણ સરકારે બેન્કોને રૂ. 2.11 લાખ કરોડ (2.11 ટ્રિલિયન) આપ્યા છે.

ભારતમાં નાદારીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 2015ની સાલમાં આઈબીસી લાવવામાં આવ્યો હતો. પહેલા આ પ્રક્રિયા જુદા જુદા કાયદાઓ હેઠળ થતી હતી. તેથી તેમાં ઘણો લાંબો સમય લાગી જતો હતો. આ સરકાર આ સમય ઘટાડીને વહેલો ઉકેલ લાવવા માગે છે. ત્યારબાદ આઈબીસીમાં બે સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સુધારાઓ વટહુકમના માધ્યમથી કરવામાં આવ્યા છે. કોઈ પગલું તત્કાળ લેવાની જરૂર હોય ત્યારે રાષ્ટ્રપતિના માધ્યમથી વટહુકમ બહાર પાડવામાં આવે છે.

સંસદ સત્રમાં હોય ત્યારે આ સુધારાઓ લાવવામાં આવે છે. આ વટહુકમો મારફતે જે સુધારાઓ કરવામાં આવ્યા છે અને જે સમયે આ સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે તેના પરથી આ સુધારાઓ સરકારની સાથે નિકટના સંબંધો ધરાવતા મૂડીવાદીઓને લાભ કરાવવા માટે કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

પહેલો વટહુકમ નવેમ્બર 2017માં કરવામાં આવ્યો હતો. બીજો સુધારો દાખલ કરતો વટહુકમ જૂન 2018માં કરવામાં આવ્યો હતો. સંસદના સત્રમાંના આરંભ પહેલા જ આ સુધારો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ તે અંગેનો ખરડો રજૂ કરીને મંજૂર કરી દેવામાં આવ્યો હતો. આઈબીસીમાં ફેરફાર કરવામાં આવે તેની સામે કોઈને જ વાંધો નથી. પરંતુ સંસદનું સત્ર થવાને એક જ મહિનાની વાર હોય ત્યારે આ રીતનો સુધારો વટહુકમથી દાખલ કરવો ઉચિત નથી.

બીજુ, આ સુધારાની અસર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ચાલી રહેલી રિઝોલ્યુશનની પ્રોસેસ પર અસર કરે તેમ હતી. પહેલો સુધારો કરીને કેટલીક વ્યક્તિઓને રિઝોલ્યુશન માટેની અરજી કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. તેમની સંસ્થા માટેનો રિઝોલ્યુશન પ્લાન જ રજૂ ન થાય તેવી વ્યવસ્થા તેના માધ્યમથી કરવામાં આવી હતી. ખાસ કરીને વિલફૂલ ડિફોલ્ટર્સ એટલે કે જેમની પાસે બેન્કોને ચૂકવવા માટ પૈસા હોવા છતાંય જેઓ બેન્કના પૈસા ન ચૂકવતા હોય તેમને આ પ્રક્રિયામા જોડાવાનો અવકાશ જ ન આપવાનો નિર્ણય આ સુધારાના માધ્યમથી લેવાં આવ્યો હતો. આ વિલફૂલ ડિફોલ્ટર્સ સાથે સંકળાયેલી વ્યક્તિઓને પણ આ પ્રકારને એનસીએલટી-નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવાને પાત્ર ન ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ સુધારાના માધ્યમથી એસ્સાર સ્ટીલની રેઝોલ્યુશનની પ્રક્રિયા અટકી ગઈ હતી. તેમાં રશિયાના ધિરાણકાર વીટીબી બેન્ક, રેવન્ત રૂઇયા અને આર્સેલર મિત્તલને રેઝોલ્યુશનની દરખાસ્ત મૂકવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.  આ ત્રણેય પાર્ટી ડિફોલ્ટિંગ કંપની સાથે સંકળાયેલા હતા. પરંતુ મોન્નેટ ઇસ્પાત એન્ડ એનર્જીને આ નિયમ કે કાયદાકીય જોગવાઈ લાગુ કરવામાં આવી નહોતી. તેના જ કોન્સોર્ટિયમના પાર્ટનર જેએસડબ્લ્યુ સ્ટીલ અને એઆઈઓએન કેપિટલ ડિફોલ્ટર કંપની માટે આસાનીથી બિડિંગ કરવામાં સફળ થઈ હતી. તેઓ મોન્નેટ સ્ટીલ સાથે સંકલાયેલા હોવા છતાંય તેમને આ છૂટ મળી હતી. આમ આ જોગવાઈ કેટલાક ઉદ્યોગોને ટાર્ગેટ કરવા અને કેટલાકને તેમાંથી મુક્તિ આપવા માટે કરવામાં આવી હોવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો ડિફોલ્ટિંગ કંપની પોતાની સાથે સારા સંબંધ ધરાવતી કંપની પાસે પોતાની જ કંપનીને ડિફોલ્ટની રકમથી ઓછી રકમમાં લેવડાવીને બેન્કોના અબજો ડૂબાડી દીધા પછી સમય જતાં નવા નામથી આ જ ધંધામાં નવું સાહસ કરવાનો પણ બેત રચતી હોવાનું જોવા મળે છે.

31મી જુલાઈએ લોકસભામાં મંજૂર કરી દેવાયેલા બીજા સુધારામાં 6 જૂન 2018ના વટહુકમને રિપ્લેસ કરવા માટેનો હતો. આ સુધારાના માધ્યમથી ક્રેડિટર્સ એટલે કે ધિરાણ આપનારાઓની કમિટીના માધ્યમથી વોટિંગના અધિકાર માટેની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં ક્રેડિટર્સની કમિટી જ તમામ નિર્ણયો અંગે વોટિંગ કરતી હતી. કમિટના 75 ટકા સભ્ય મંજૂરી આપી દે તો તેના નિર્ણયને બહાલી મળી જતી હતી. જોકે મહત્વના નિર્ણયો લેવા માટે આ વોટની મર્યાદા 75 ટકાથી ઘટાડીને 66 ટકા કરી દેવામાં આવી છે. આ મહત્વના નિર્ણયોમાં રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવાની બાબતનો પણ સમાવેશ થાય છે.

આ સુધારાઓ દાખલ કરવામાં આવ્યા ત્યારે આલોક ઇન્ડસ્ટ્રીઝના રેઝોલ્યુશનની પ્રક્રિયા ચાલુ હતી. આ સુધારો આવ્યો તે પૂર્વે રૂ.30000 કરોડની ડિફોલ્ટર કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝના એકમને રૂ.5000 કરોડમાં લઈ લેવાની દરખાસ્ત મૂકનાર એક જ કંપની રિલાયન્સ હતી. આ દરખાસ્તને 70 ટકા મતદારોનું જ સમર્થન મળ્યું હતું. આ દરખાસ્ત સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ આઈબીસીમાં સુધારો આવી જતાં ફરીથી મિટીંગ બોલાવવામાં આવી ત્યારે કમિટીના 72 ટકા સભ્યએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.

વોટિંગની મર્યાદાને પરિણામે આ ફેરફાર આવ્યો હતો. આમ આલોક ઇન્ડસ્ટ્રીઝની 80 ટકા લોન રાઈટ ઓફ (જતી કરવામાં) કરી દેવામાં આવી હતી. તેની અસ્ક્યામતો તેની મૂળ કિંમતથી ઓછી કિંમતમાં બીડરને મળી ગઈ હતી.

બેન્કરો પણ ખાનગીમાં સ્વીકારે છે કે આ જ રેવાલ ચાલુ રહી તો મોટી બેન્કોની આર્થિક સદ્ધરતા નબળી પડી જતાં વાર લાગશે નહિ. આમેય બહાર આવી રહેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા દોઢથી પોણા બે વર્ષમાં બેન્કોને બદલે પોસ્ટ ઓફિસની જુદી જુદી યોજનાઓમા રોકાણ કરનારાઓ વધ્યા છે. પોસ્ટ ઓફિસના રોકાણમાં દોઢ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આ સંજોગોમાં બેન્કોની વિશ્વસનિયતા ટકાવી રાખવા માટે અને ડિપોઝિટર્સન ધરપત રહે તે માટે ડિપોઝિટર્સ ઇન્સ્યોરન્સ ગેરેન્ટી કોર્પોરેશન હેઠળ આપવામાં આવતી વીમા સુરક્ષિત રકમ અત્યારે રૂ. 1 લાખ છે કે વધારીને રૂ. 10 લાખ કરી આપવા જરૂરી છે. અન્યથા બેન્કો લૂંટાતી રહેશે અને ડિપોઝિટર્સનો વિશ્વાસ તૂટતો જ રહેશે. એનસીએલટીએ પણ નિર્ણય લેવામાં સમતુલા જાળવવા પડશે.

આ અહેવાલ ધ પ્રિન્ટમાંથી સહાભાર લેવાયો છે, અહીં દર્શાવેલા મંતવ્યો લેખકના અંગત છે