પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ભારતના માહિત પ્રસારણ વિભાગે એક જાહેરાત કરી છે કે જો કોઈ સમાચાર બનાવટી સાબીત થાય તો પત્રકારની માન્યતા કાયમી ધોરણે રદ કરવામાં આવશે. જ્યાં સુધી કેન્દ્રમાં કોંગ્રેસની યુપીએસ સરકાર હતી અને પત્રકારો કોંગ્રેસની વિરૂધ્ધ સમાચાર લખતા હતા ત્યારે ભાજપ સરકારને પત્રકારો સામે કોઈ વાંધો ન હતો. પણ કેન્દ્ર સરકારમાં ચાર વર્ષ થયા પછી પણ ભાજપે આપેલા વચનો પાળી નહીં શકતી સરકાર હવે અરસીમાં ચહેરો જોવાને બદલે અરીસામાં અમારો ચહેરો ડરામણો કેમ લાગે છે તેવા આરોપસર અરીસાને જ સજા કરી હોય તેવુ લાગી રહ્યુ છે.

જેમનો પત્રકારત્વ સાથે સીધો સંબંધ નથી તેવા સામાન્ય નાગરિકોને ખબર નથી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પત્રકારોને માન્યતા આપે છે, જેને અંગ્રેજીમાં એક્રીડેટેડ જર્નાલિસ્ટ કહેવામાં આવે છે. જો કે એક્રીડીટેશન કાર્ડ લેવા માટે પહેલા જે તે સંસ્થાના વડા અથવા તંત્રીનો ભલામણ પત્ર હોવો જરૂરી છે, ત્યાર બાદ રાજ્યમાં માહિતી વિભાગ અને કેન્દ્ર પ્રેસ ઈન્ફરમેશન બ્યુરો એક્રીડીટેશન કાર્ડ આપે છે. જો કે ગુજરાત અને ભારતના કુલ પત્રકારો પૈકી માત્ર બે ટકા કરતા પણ ઓછા પત્રકારો પાસે આ એક્રેડીટેશન કાર્ડ છે. હવે જેમની પાસે કાર્ડ છે તેમાં બહુમતી પત્રકારો સિનિયર છે.

કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે કોઈ પત્રકારે લખેલા સમાચાર ખોટા સાબિત થાય તો પહેલી સજાના ભાગ રૂપે છ મહિના માટે તેમની માન્યતા રદ કરી કાર્ડ રોકી લેવામાં આવશે. જો બીજી વખત આ પત્રકાર ખોટા સમાચાર લખે તો એક વર્ષ માટે માન્યતા રદ કરવામાં આવશે અને જો ત્રીજી વખત ખોટા સમાચાર લખે તો આખી જીંદગી માટેની માન્યતા રદ કરી દેવામાં આવશે. હવે પહેલો સવાલ છે કે જેમની પાસે એક્રીડીટેશન કાર્ડ છે, તેમના બાળકોની ફિ માફ થઈ જાય છે? તેમને પેટ્રોલ બીજા કરતા સસ્તુ મળે છે? રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પેન્શન આપે છે? તો જવાબ છે ના. આવા કોઈ જ વિશેષ લાભ મળતા નથી. જેમની પાસે કાર્ડ છે તેવા પત્રકારોને એસટી બસ અને રેલવેમાં થોડી ઘણી રાહતો મળે છે, પણ તે હવે એટલા મોટા પત્રકાર થઈ ગયા છે કે તેમની પાસે કાર અને વિમાન ઉડવાના પૈસા છે આમ કોઈ પણ રીતે આકાર્ડ લલચામણુ નથી.

આમ છતાં જાણે જેમની પાસે એક્રીડીટેશન કાર્ડ છે, તેમની માન્યતા રદ કરી કેન્દ્ર સરકાર બહુ મોટો મીર મારી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. દેશના 98 ટકા પત્રકારો પાસે આવુ કાર્ડ નથી છતાં તેઓ પત્રકાર તરીકે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. આમ જેમની પાસે કાર્ડ હોય અથવા જેમની પાસે કાર્ડ નથી તેમની રોજબરોજની કામગીરી ઉપર કોઈ ફેર પડતો નથી પણ પત્રકારોએ શુ કરવુ તે નક્કી કરતી સરકાર મંત્રીઓએ શુ કરવુ તે અંગે કોઈ નિયમ બનાવતી નથી. લોકસભાની 2014ની ચૂંટણી પહેલા જાહેરાત કરી તે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. નેતા બોલ્યા પત્રકારોએ લખ્યુ. તેમણે કહ્યુ સ્વીસ બેંકમાંથી અબજો રૂપિયા ભારત આવશે તે બોલ્યા પત્રકારોએ લખ્યુ. પણ ત્યારે તે ખોટુ બોલ્યા અને પત્રકારોએ ખોટા સમાચાર લખ્યા તેવી કબુલાત અને તેવો આરોપ થયો નહીં. પણ હવે પોતાના પગ  જે ધરતી ઉપર છે ત્યાં પાણી આવ્યુ ત્યારે લાગી રહ્યુ છે કે પત્રકારો ખોટા સમાચાર લખે છે.

પત્રકાર તો ત્યાંનો ત્યાં જ રહે છે, સલ્તનતો તો બદલાતી રહે છે, તમે પત્રકારને મારી શકો, ડરાવી શકો અને મારી પણ નાખી શકો, કારણ તમે સરકાર છો. પણ પત્રકાર લખતો હતો, લખતો રહેશે અને મરતા સુધી લખતો રહેશે.