મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8માં ભણતાં બાળકોનાં શૈક્ષણિક વિકાસ માટે હવે એકમ કસોટીનો નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન દ્ધારા પીરીઓડીકલ એસેસમેન્ટ એટલે કે જે તે વિષયનું સાપ્તાહિક મૂલ્યાંકન કરવામાં આવશે. 22 ડિસેમ્બરથી શરૂ થનારા આ પ્રોજેક્ટમાં દર શનિવારે વિવિધ વિષયની કસોટીનું આયોજન કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એકમ કસોટીના પુસ્તકનું વિમોચન કર્યા પછી બાયસેગ દ્વારા ગાંધીનગરથી બે લાખ જેટલા શિક્ષકો, આચાર્યો અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રોજેક્ટને ક્રાંતિકારી પગલું ગણાવતાં ક્હ્યું કે, આ કસોટીમાં વિદ્યાર્થીઓની જ્યાં ભુલો જણાશે ત્યાં સુધારા લાવી શકાશે. 2019માં થનાર નેશનલ એસેસમેન્ટ સર્વેમાં ગુજરાત અગ્રેસર રહે તે પ્રાથમિક શિક્ષકોને જવાબદારી અદા કરવાની આશા વ્યક્ત કરી હતી.

ધોરણ 3 થી 8માં થતાં વર્ગ અધ્યાપનનાં કાર્યના પરોક્ષ મૂલ્યાંકન અને તેમાં ગુણવત્તા સુધરે તે માટે આ એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૩૮,૧૧,૩૯૧ વિદ્યાર્થીઓની આ કસોટીથી તેમનામાં રહેલી સમજ અને ઉણપ જાણી ગુણવત્તા સુધારવાનો પ્રયાસ છે. જેમાં વ્યક્તિગત કે સમગ્ર વર્ગમાં ક્યાં કેટલાં ઉપચારની જરૂર છે તે જાણી શકાય તેટલાં માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો હોવાનું  શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું છે.