મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં કચ્છના ગાંધીધામમાંથી અલ્લારખા નામના એક ટેક્સી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના જુહમાંથી પકડેયાલા ફૈઝલહસન મિર્ઝાની પૂછપરછમાં અલ્લારખાના નામનો ઉલ્લેખ થતાં મહારાષ્ટ્ર એટીએસ ગુજરાત આવી હતી અને ગુજરાત એટીએસ સાથે મળી તેમણે અલ્લારખાને ઝડપી લીધો છે.

2001માં મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકા કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની જાણકારી મળી કે કેટલાક ત્રાસવાદી સંગઠનો હાલમાં પણ કાર્યરત છે. જેમના તાર 2001ના બોમ્બ ધડાકા સાથે પણ જોડાયેલા છે, જેઓ ગુજરાત , મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં બોમ્બ ધડાકા જેવી કોઈ ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે. જેના આધારે ગુપ્તચર એજન્સીઓના માહિતી પ્રમાણે તેમણે ફૈઝલહસન મિર્ઝાને ઝડપી લીધો હતો. જો પૂછપરછ દરમિયાન તેણે 2001થી દુબઈમાં સંતાયેલા ફારૂક દેડીવાલા અને ગાંધીધામમાં રહેતા અલ્લારખાનો ઉલ્લેખ કર્યો હતો.

ફારૂકને મુંબઈ પોલીસ લાંબા સમયથી શોધી રહી હતી પણ તેનો કોઈ પત્તો મળતો ન્હોતો. પરંતુ ફૈઝલની પાસેથી જાણકારી તાત્કાલીક દુબઈ પોલીસને આપવામાં આવી હતી કારણ ફૈઝલ સામે રેડકોર્નર નોટીસ ઉપર ઈસ્યુ થઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા અને ગુજરાત એટીએસને તેમને મળેલી મહત્વપુર્ણ જાણકારી આપી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી હતી અને ટેકસી ડ્રાઈવર તરીકે કામ કરતા અલ્લારખ્ખાને ઝડપી લીધો છે.

દરમિયાન દુબઈ પોલીસને મહારાષ્ટ્ર એટીએસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે તેમણે ફારૂકના સરનામે દુબઈમાં દરોડા પાડતા તે પણ ઝડપાઈ ગયો છે. જેને એકાદ બે દિવસમાં મુંબઈ લાવવામાં આવે તેવી શક્યતા છે.  ગુજરાત મહારાષ્ટ્ર પોલીસનો દાવો છે કે તેમણે એક મોટી ઘટના ઘટે તે પહેલા પોતાનું ઓપરેશન પાર પાડ્યુ છે જેની જાહેરાત એકાદ બે દિવસમાં કરવામાં આવશે.