મેરાન્યૂઝ નેટવર્ક.ગીર સોમનાથ : કોડીનાર નજીક ઉના બાયપાસ પાસેથી એક યુવતિની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં કોડીનાર પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વિધાર્થીની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેના શરીર સહિત ગળા પર આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય પુત્રી વિમાંશી તા. 5 ની રાત્રે કોઇને જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગઇ હતી. અડધા કલાક પછી પણ પુત્રી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. સતત 2કલાક સુધી શોધખોળ કરવા છતાં પત્તો નહીં લાગતા પોલીસને જાણ કરી હતી.  પરંતુ માસુમ બાળાનો પત્તો લાગ્યો ન હતો. જિયારે આજે સવારે આ પુત્રીનો મૃતદેહ તેના ઘરથી 2 કિમી દૂર બાપેશ્વર મંદિરની પાછળ જંગલની ઝાડીઓમાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સ્કૂલમાં અભ્યાસ કરતી હોઇ તેની સાથેના કોઈએ તેને ઘરેથી બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાના શરીર ઉપર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે અજુગતુ થયાની શંકા પણ સેવાઇ રહી છે. પોલીસે મૃતદેહને લઈ કોડીનાર હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો, પરંતુ પરિવારજનોએ પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ આ સગીરા પર દીપડાએ હુમલો કરીને ફાડી ખાધી હોવાની ચર્ચા ચાલી હતી. જોકે વનવિભાગની ટીમે ઈજાના નિશાનના આધારે તેની ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી હતી.