મેરાન્યૂઝ નેટવર્ક, ચેન્નઇ: ડીએમકે સંસ્થાપક કરુણાનિધિના નિધન બાદ પાર્ટીમાં ચાલી રહેલી વર્ચસ્વની લડાઇ પર હાલ પુરુતુ અલ્પવિરામ મુકાઇ ગયુ છે. મંગળવારે પાર્ટીની મહાપરિષદની બેઠકમાં ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ અને કરુણાનિધિના પુત્ર એમકે સ્ટાલિનને પાર્ટીના અધ્યક્ષ પદે ચૂંટવામાં આવ્યા છે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રધાન સચિવ દુરઇમુરુગનને પણ પાર્ટીના નવા કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે સવારથી જ સોશિયલ મીડિયામાં DMKThalaivarStalin   હેગટેગ સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે.

ડીએમકેના અધ્યક્ષ પદે ચૂંટાયા બાદ સ્ટાલિને પોતાના સમર્થકો અને પાર્ટી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યાલયમાં પાર્ટી સંસ્થાપક સીએન અન્નાદુરઇ અને પોતાના પિતા એમ. કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ડીએમકે દ્વારા એવી પણ માગણી કરવામાં આવી છે કે સ્વ. એમ. કરુણાનિધિને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે.

એમ. કરુણાનિધિના નિધન બાદ તેમના 65 વર્ષના પુત્ર સ્ટાલિનને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જો કે સ્ટાલિન માટે ભવિષ્યનો રાહ સરળ નહીં હોય કારણ કે તેમના માટે પાર્ટીને એકજૂથ રાખવી મોટો પડકાર હશે. ડીએમકેમાંથી બરતરફ કરાયેલા સ્ટાલિનના ભાઇ અલાગીરીએ દાવો કર્યો હતો કે કરુણાનિધિના સાચા નિષ્ઠાવાન કાર્યકરો તેમની સાથે છે. અલાગિરીને વર્ષ 2014માં કરુણાનિધિએ પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા કારણ કે તેઓ સ્ટાલિનના નેતૃત્વ પર સવાલ ઉભા કરી રહ્યા હતા.