મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જીલ્લાના રાજકોટ ધોરી માર્ગ પર આવેલ ધ્રોલ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં આજે બપોરે પ્રચંડ- ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ દફતરના નવા બિલ્ડિંગની સામે જ આવેલ જુના સ્ટોર રૂમમાં ક્યાં અને કેવા સંજોગોમાં ધડાકો થયો છે તે જાણી શકાયું નથી. માથામાં ઈજા પહોચતા કોન્સ્ટેબલને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા 

ધ્રોલ સહિત જામનગર જીલ્લાભરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરના જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા પોલીસ મથકમાં આજે બપોરે જુના બાંધકામ ધરાવતા મુદ્દામાલ રૂમમાં એકાએક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે પોલીસ દફતરની સાથે સમગ્ર તાલુકા મથક ધણધણી ઉઠ્યું હતું. જોરદાર વિસ્ફોટમાં ધ્રોલ પોલીસ દફતરનો સ્ટોર રૂમ સદંતર જમીન દોસ્ત બન્યો હતો. આ ઘટના સમયે ત્રણ લોકો તથા નવા બિલ્ડિંગ અંદર જતા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ મકાનના બંદુકની ગોળીની જેમ વછુટેલ કાટમાળનો ભોગ બન્યા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે છેક તાલુકા મથકના સીમાડાઓ સુધી આવજ અને પ્રચંડતા અનુભવાઈ હતી.

આ ઘટના સમયે પોલીસ દફતરમાં હાજર સ્ટાફ તુરંત બહાર નીકળ્યો હતો અને કાટમાળ વાગતા ઘવાયેલા અને લોહી નીતરતા કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનાને પગલે આગ પણ લાગી હતી, જેને લઈને ફાયરની એક ટીમ પણ તાબડતોબ ધટના સ્થળે પહોચી મોરચો સંભાળ્યો હતો. જામનગર હેડ ક્વાટર જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એલસીબી, એસઓજી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડ્યો હતો અને સમગ્ર પોલીસ દફતરના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સ્ટોર રૂમ નજીક જ આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં સોર્ટ સર્કીટ થવાથી આ ઘટના ઘટી છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા પોલીસ દફતર પહોચ્યા હતા, જોકે તપાસમાં અડચણ રૂપ ન થાય તે હેતુથી પોલીસે ટોળાઓને વિખેરી નાખ્યા હતા. પોલીસ દ્વારા આ બનાવને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.