મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજ 2019માં લોકસભા ચૂંટણી નહીં લડે. તેમણે મંગળવારે ઈંદોરમાં પોતાની ખરાબ તબીયતને લઈને આ જાહેરાત કરી હતી.

ભાજપના ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ પહોંચેલી સુષ્મા સ્વરાજે મંગળવારે ઈંદોરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. સવાલ જવાબ દરમિયાન આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે.

સુષ્માએ કહ્યું કે, જોકે આ નિર્ણય પાર્ટીએ લેવાનો છે, પણ તેમણે ચૂંટણી નહીં લડવાનું મન બનાવી લીધું છે. સુષ્માએ મધ્ય પ્રદેશની વિદીશાથી લોકસભા સાંસદ છે. પોતાની શાનદાર ભાષણ શૈલીના માટે જાણીતા સુષ્મા સ્વરાજ ભાજપના મહિલા બ્રિગેડના સૌથી પ્રમુખ ચહેરાઓ પૈકીના એક છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાંટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે દિલ્હીમાં એઈમ્સમાં ઘણા સમય સુધી દાખલ રહ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુષ્મા સ્વરાજ પોતાના મંત્રાલયના કામોને લઈને સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય છે. ટ્વીટ પર લોકોની સમસ્યાઓ સાંભળીને તેમણે તત્કાલ સહાયતા પુરી પાડવાને લઈને સુષ્માએ ઘણી પ્રશંસાઓ મેળવી છે.