મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નાગડકા ગામમાં પાઉંભાજી ખાવા માટે જઇ રહેલા બે મિત્રોને આંતરી ‘પોલીસને બાતમી આપીને તું અમારો દારૂ પકડાવે છે, આજે તો જીવતા નથી જવા દેવા’ તેવુ કહી ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. આટલુ જ નહી પરંતુ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ફાયરિંગ કર્યુ હતુ. તેમજ ફરિયાદીના મામાના ઘર પર પણ ફાયરિંગ કરતા મામાને ઇજા થઇ હતી. આ બનાવ અંગે સાત શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

નાગડકા ગામે રહેતા રવુભાઇ વલકુભાઇ ધાધલ અને તેમના મિત્ર જયેશભાઇ ઉર્ફે કાળુભાઇ નકુભાઇ ખાચર કાર લઇને ભડલા પાઉંભાજી જમવા માટે જતા હતા. દરમિયાન દિલીપભાઇ જીલુભાઇ જેબલીયા તેમના મિત્રો સાથે કાર લઇને ધસી આવ્યા હતા. અને રવુભાઇની કારને આંતરી દારૂ પકડાવવાની બાબતનું વેર રાખી મિત્રો સાથે તૂટી પડ્યા હતા. જેમાં રવુભાઇના મિત્ર જયેશભાઇને કુહાડીનો ઘા ઝીંકતા હાથ પર ઇજા થઇ હતી. હુમલાખોરોથી બચવા માટે રવુભાઇ તથા તેમના મિત્ર જયેશભાઇ અંધારાનો લાભ લઇને સીમમાં ભાગી ગયા હતા. તો તેમની પાછળ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. પરંતુ અંધારૂ હોય નિશાન ચૂકી જતા બેમાંથી એકપણ મિત્રને ઇજા થઇ ન હતી. બાદમાં રોષે ભરાયેલા આરોપીઓએ પેટ્રોલ છાંટીને કારમાં આગ લગાવી દીધી હતી અને ફરીયાદીના ઘરમાં ટીવી, કબાટ સહિતના સામાન તેમજ બાઇકમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

આટલેથી પણ સંતોષ ન થતા ઉશ્કેરાયેલા આરોપીઓ ફરિયાદી રવુભાઇ ધાધલના મામા ગભરૂભાઇ નનકુભાઇ ખાચરના ઘરે ઘૂસી ગયા હતા. બાદમાં રિવોલ્વરમાંથી ભડાકો કરતા ગભરૂભાઇ ખાચરને હાથમાં ઇજા થઇ હતી. એક આરોપીએ તો સ્ટ્રીટલાઇટના થાંભલા પર ચડી જઇ ગભરૂભાઇના ઘરમાં ફાયરિંગ કર્યા હતા. ત્યાંથી નીકળેલા આરોપીઓએ ઉદયભાઇ શાંતુભાઇ ખાચરને પણ મારીને રૂપિયા 500ની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે રવુભાઇ વલકુભાઇ ધાધલે આરોપીઓનાં નામ દીલીપભાઇ જીલુભાઇ જેબલીયા,  પ્રતાપભાઇ જીલુભાઇ નાગડકા, જીલુભાઇ ટપુભાઇ નાગડકા, શાંતુભાઇ ટપુભાઇ નાગડકા,  રણજીતભાઇ વીશુભાઇ સાંગોઇ, કુલદીપભાઇ શીવકુભાઇ મોટામાત્રા, શીવકુભાઇ ભોજભાઇ નાગડકા સહિતના સાત શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.