મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ વિભાગ દ્વારા થોડા સમય પહેલાં વિભાગમાંથી સમગ્ર LCB ટીમનું તત્કાલિન પોલીસ વડા મેઘાણીએ વિસર્જન કરી નાખ્યું હતુ. ત્યારે જિલ્લા પોલીસ વિભાગમાં ફરી LCBની ટીમનું નિર્માણ થાય તેવા સંકેતો જણાઇ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પંવારે થાન મથકના PIની LCB ટીમના PI તરીકે બદલીનો ઓર્ડર આપતા આગામી સમયમાં LCB ફરીથી કાર્યરત થશે.

સુરેન્દ્રનગર તત્કાલિન જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીએ તેમના કાર્યકાળ દરમિયાન LCB ટીમનું વિસર્જન કરી નાખ્યું હતું. જે અંતર્ગંત PI, PSI સહિત તમામ સ્ટાફને રાતોરાત તેમની મૂળ જગ્યાએ પરત થવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદથી LCB ટીમની રચના અધ્ધરતાલે હતી. 

આ મામલે જિલ્લા પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પંવારે થાન મથકના PI ડી.એમ.ઢોલની LCB PI તરીકે બદલીના ઓર્ડર સુપ્રત કર્યા છે. આમ જિલ્લા પોલીસ વિભાગમાં PSI સહિતના સ્ટાફની નિમણૂંક થવાની વાતથી પોલીસ વિભાગમાં આનંદની લાગણી ફેલાઈ છે. થોડા દિવસોમાં અન્ય સ્ટાફની નિમણૂંક કરી થોડા દિવસોમાં ટીમ કામ કરતી થઈ જશે.