મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી તાલુકાનાં ગઢાદમાં કપડા ધોવા ગયેલી માતા, બે પુત્રી સહિત ચાર વ્યક્તિનાં પાણીમાં ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા હતા બાદ પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા.

મૂળીના ગઢાદમાં રહેતા અને ખેતી કરતા મુકેશભાઇ ગળધરીયાનાં પત્નિ 34 વર્ષીય કંચનબેન તેમની બે દીકરીઓ 14 વર્ષની રેણુકા અને 12 વર્ષીય જયશ્રી તેમજ કૌટુંબીક જેઠાણી ગીતાબેન કાળુભાઇ ગળધરીયા સાથે શુક્રવારે સાંજનાં સમયે ટીડાણા રોડ પર આવેલ નદીએ કપડાં ધોવા માટે ગયા હતા. તે સમયે પ્રથમ રેણુકા અને જયશ્રી પાણીમા પડતા તે ડુબવા લાગી હતી. આથી માતા કંચનબેને દીકરીઓને બચાવવા નદીના પાણીમાં ઝંપલાવ્યુ હતુ. જોત જોતામાં માતા અને બન્ને પુત્રીઓ ડુબવા લાગતા ગીતાબેન પણ તેમને બચાવવા જતા નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા ચારેયનાં અકાળે મોત થયા હતા.

આ બનાવમાં કંચનબેન અને ગીતાબેનના મૃત મળી આવ્યા હતા. જયારે બે દીકરીઓના મૃતદેહ તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા.  હાલ મૃતદેહને પીએમ માટે દવાખાને લઇ જવામાં આવ્યા છે.