મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં કરોડોના જમીન કૌભાંડમાં તત્કાલીન અધિક કલેકટર, ડેપ્યૂટી કલેકટર અને ઈન્ચાર્જ મામલતદાર સામે સરકારે આકરુ પગલું ભરીને ફરજ મોકૂફ કર્યા બાદ સુરેન્દ્રનગરના કલેકટર દ્વારા આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાવવાનો પ્રથમ કિસ્સો બહાર આવતા સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગમાં સનસનાટી ફેલાઇ છે. આ જમીન કૌભાંડમાં જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર સી.જી.પંડ્યા, ડેપ્યૂટી કલેકટર સી.ઝેડ.ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર જે.એેલ.ઘાડવી દ્વારા તેમની સમક્ષ ચાલતી જમીન ટોચ મર્યાદાની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને બિનપિયતની જમીનનો કાયદા વિરુદ્ધના હુકમો કરી સરકારી મિલકતનો દુર્વ્યવહાર કરી ચોટીલા તાલુકાના જીવાપર તથા બામણબોર ગામની જમીનના ૩૨૦ એકર ખોટા દસ્તાવેજ પુરાવા ઉભા કર્યા અને તેને ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટના હુકમનો ખોટુ અર્થઘટન કરી લાભ મેળવનારાઓના જમીન ખાતે ચઢાવી તેઓને ગેરકાયદે લાભ પહોંચાડી રાજ્યસેવક તરીકેનો હોદ્દાનો  દૂરઉપયોગ કરીને સરકારને રૂ.૩,૨૩,o૩,૫૫૬ નું નાણાકીય નુકસાન કરી ગુનો આચર્યો છે. જે અંગેની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કનકપતિ રાજેશ દ્વારા જાતે ફરિયાદી બનીને સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.

આમ સુરેન્દ્રનગરના ચકચારી આ જમીન પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ થતાં નવો વળાંક આવ્યો છે જેનાથી સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારી તથા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.