મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં ભાજપના જ નેતાને ફોટા અને વીડિયો વાયરલ કરી આબરૂના ધજાગરા ઉડાવી દેવાની તથા ખોટા બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરના મૂળ બજરંગપુરા અને હાલ વઢવાણ ખાતે રહેતા ભાજપના નેતા અને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા ૬૦ લાખની માંગણી કરતા ચકચાર મચી છે. સુરેન્દ્રનગરના રતનપરની યુવતી હિના બાવાજીને સાથે રાખીને વઢવાણના બે અશોક રામી અને અનિરુદ્ધ સિંહ ચૌહાણ નામના શખ્સોએ ભાજપના નેતા વનરાજસિંહ જાદવની અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લીધો હતો.

ભાજપના નેતા અને રતનપરની યુવતીએ પોતાની વિવાદી જમીનનો નિવેડો લાવવા અવારનવાર ફોન કરી વિશ્વાસ કેળવી જાળમાં ફસાવી લીધા હતા અને સમય જતાં ત્રણેય આરોપીઓએ ભાજપના નેતા વનરાજસિંહ પાસે રૂપિયા ૬૦ લાખની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો તમામ ફોટા અને વીડિયો વાયરલ કરી આબરૂના ધજાગરા ઉડાવી દેવાની તથા બળાત્કારનો કેસ કરાવવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને પોલીસે છટકું ગોઠવીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

ચોટીલા બાદ હવે વઢવાણમાં હનીટ્રેપનો મામલો પ્રકાશમાં આવતાં આ મુદ્દો જિલ્લામાં ટોપ ઓફ ધી ટાઉન બની ગયો છે. આ મામલામાં શિકારી ખુદ શિકાર બની ગયા સમગ્ર મામલો પોલીસ માં આવતા અંતે આરોપીઓને પકડવા છટકું ગોઠવાયું હતું. જેમાં પૈસા આપવાની વાત કરતા ત્રણેય આરોપીઓ નક્કી કરેલા સ્થળે આવતા પોલીસે ફિલ્મી ઢબે ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. આ અંગે વઢવાણ બી-ડિવીઝનના પી.એસ.આઇ ડી.એન.ડોડીયાએ જણાવ્યું હતું કે રૂપિયા ૬૦ લાખની માંગણી કરનાર બે યુવક અને એક મહિલા સામે ગુનો દાખલ કર્યો છે અને તમામના મોબાઇલની કોલ ડિટેઇલ મેળવી સમગ્ર કાંડનો અંજામ આપનાર પડદા પાછળના અન્ય આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, યુવતી દ્વારા મીઠી મીઠી વાતો કરીને ભાજપના નેતાને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે.

જિલ્લાના ટોચના ભાજપી નેતાના અંગત અને લખતર તાલુકા ભાજપના મહામંત્રી રહી ચૂકેલા વનરાજસિંહ જાદવ પોતે આર્થિક રીતે સધ્ધર હોય હનિટ્રેપ ગેંગ દ્વારા યુવતીએ ફોન ઉપર વાતો કરી યુવતીએ રતનપર પોતાના ઘરે બોલાવી અંગત પળોનો વીડિયો બનાવી લેતા જિલ્લા ભાજપની આબરૂના વટાણા વેરાઈ જવા પામ્યા છે. પોલીસ હનીટ્રેપના મૂળ સુધી પહોંચે તો તોડબાજોના પગ નીચે રેલો આવશે તેવી ચર્ચા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોજગારીએ ભરડો લીધો છે, ત્યારે ટૂંકા ગાળામાં લાખોપતિ બની જવા માટે શોર્ટકટ અપનાવી રહ્યા છે ત્યારે અતિ ચકચારી એવા હનિટ્રેપનો ભોગ બનેલા પૂર્વ ભાજપના આગેવાન અને યુવતીના મોબાઇલની કોલ ડિટેલ કાઢવામાં આવે તો તોડબાજોના વટાણા વેરાઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવી ચર્ચા છે. જોકે આ કેસમાં પોલીસ પણ તોડના મૂળમાં હોવાની ચર્ચા જાગી છે.