મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ 9 બોમ્બ બની શકે તેટલી વિસ્ફોટક  સામગ્રી સાથે પકડાયેલા યુવાને તેની પ્રેમિકાને પામવા માટે બોમ્બ બનાવવાનું વિચાર્યું હતું એટલું જ નહીં પણ પ્રેમિકાને ચોથા માળેથી ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમિકા વતનમાં ગઈ તો તેનો પીછો કરીને તે ત્યાં પણ પહોંચ્યો હતો. પ્રેમિકાને અને તેના પતિને ફોન કરીને ધમકી પણ આપતો હતો. અગાઉ અપહરણ-બળાત્કાર, મારામારી અને વતનમાં મર્ડના ગુના કરી ચૂકેલા આ યુવાનના નકસલવાદ સાથે તાર જોડાલેયા છે એ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સોનેસિંગ ઉર્ફે સોનુ જુગરાજસિંગ છાકુર (ઉ.વ.24, રહે: ગંગોત્રીનગર, ગોડાદરા, મૂળ રહે: બજરિયા ગામ, મધ્યપ્રદેશ)ને વિસ્ફોટક સામગ્રી સાથે પકડી પાડ્યો હતો. જની પૂછપરછમાં તેની પ્રેમિકાને પામવા તેણે બોમ્બ બનાવવાનું નક્કી કર્યું હોવાનું ફલિત થયું હતું. પરિણામે સમગ્ર ઘટનાના મૂળમાં રહેલી સોનેસિંગની પ્રેમિકાનો સંપર્ક કરાયો તો આ પરિણીત પ્રેમિકાએ કહ્યું કે, બે વર્ષ પૂર્વે બન્ને એક જગ્યાએ મળ્યા. પ્રેમ પાંગર્યો. પછી સોનેસિંગ ખૂબ માર મારતો હતો. જેના કારણે તે ગઈ તા. 30-9-18ના રોજ તેની સહેલીના ઘરે જતી રહી. તો ત્યાં આવ્યો અને ચોથા માળેથી નીચે ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો. તે વખતે 100 નંબર ઉપર પોલી કન્ટ્રોલરૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. પોલીસ તેને લઈ ગઈ હતી. લિંબાયત પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં તે બીજા દિવસે જામીન પર છૂટી ગયો હતો. જામીનમુક્ત થયા બાદ સોનેસિંગે તેની પ્રેમિકાની સહેલીને ફોન કરીને ધમકી આપી હતી. આ અંગે લિંબાયત પોલીસ મથકમાં અરજી પણ કરી છે. પરંતુ પોલીસે સમયસર અને યોગ્ય પગલાં લીધાં નહીં.

સોનેસિંગના ત્રાસથી ત્રસ્ત થઈ પ્રેમિકા ગઈ તા. 14મીએ પોતાના વતન જતી રહી તો સોનેસિંગ પીછો કરતો કરતો ત્યાં પહોંચ્યો હતો. જેના કારણે વતનમાંથી પરત ફરવું પડ્યું હતું. આટલું જ નહીં પણ સુરતમાં પરત ફર્યા પછી પ્રેમિકાને અને તેની પતિને સંખ્યાબંધ ફોન કરીને તે ધમકાવતો હતો.

બન્ને વચ્ચે રૂ. 40 હજારના મામલે ઝઘડો હતો

તપાસનીશ અધિકારી ક્રાઇમ બ્રાંચના પોસઈ એમ.એસ. ત્રિવેદીએ કહ્યું કે દોઢેક વર્ષ પૂર્વે સોનેસિંગના એક મિત્ર મારફતે આ યુવતી સોનેસિંગના સંપર્કમાં આવી હતી. જે બન્ને સાથે જ રહેતા હતા અને એક મકાન ખરીદવાની કાર્યવાહી  કરતા હતા. જેમાં બન્નેએ રૂ. 40-40 હજાર આપ્યા હતા. પછી બન્યું એવું કે મકાન ખરીદવાની કાર્યવાહી થંભી ગઈ. જેમાં પ્રેમિકાને એવું થયું કે સોનેસિંગ રૂ. 40 હજાર હજમ કરી ગયો. જેના કારણે બન્ને વચ્ચે ઝઘડા થવાના શરૂ થયા હતા. એ સમયગાળામાં તેના વતનના જ એક અન્ય યુવાનનના પરિચયમાં આ યુવતી આવી હતી. જેની સાથે લગ્ન કરી લીધા પરિણામે ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

આતંકવાદ-નકસલવાદની તપાસ કરાશે

9 બોમ્બ બનાવી શકાય તેટલી વિસ્ફોટક સામગ્રી મળી  હોવાથી પોલીસે આ મુદ્દાને અતિ ગંભીરતાથી ધ્યાને લઈ સોનેસિંગના તાર આતંકવાદ કે નકસલવાદ સાથે જોડાયેલા છે કે કેમ? એ મુદ્દે પણ તપાસ કેન્દ્રીત કરી છે.

10 દિવસનાં રિમાન્ડ મંજૂર

ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસે સોનેસિંગને કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. જજે તેનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. રિમાન્ડ દરમિયાન આ વિસ્ફોટક સમાગ્રી ક્યાંથી લાવ્યો? અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? આતંકવાદ કે નકસલવાદ સાથે સોનેસિંગ સંકળાયેલો છે કે કેમ? આ અને આવા અનેક મુદ્દે તપાસ કરવામાં આવશે.