મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: શહેરના કતારગામના ઉદયનગરમાં એક યુવકે એકતરફી પ્રેમમાં યુવતીના પરિવારજનો પર મંગળવારે વહેલી સવારે ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સતિષ નામના યુવકે ઉદયનગરમાં ધાબા પર સૂતેલા એક પરિવારના ત્રણ સભ્યો પર વહેલી સવારે ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારના સભ્યો સફાળા જાગી જતા સતીષને ઝડપી લીધો હતો અને તેને સ્થાનિકોએ પણ માર માર્યો હતો. આ પરિવારની યુવતીના એકતરફી પ્રેમમાં સતીષે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. આ હુમલામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હરિશચન્દ્ર રામકુમાર યાદવને છાતી, પેટ અને પીઠના ભાગે ઇજાઓ થઇ છે તો સાથે જ તેમના પુત્ર શિવમ હરિશચંદ્ર યાદવ (ઉં.વ.20) ને ગળાના ભાગે અને પુત્રી વંદના હરિશચંદ્ર યાદવને પેટના ભાગે ઇજાઓ થતાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

બીજી તરફ આરોપી સતીષને પણ સ્થાનિકોએ પકડી લઇ માર મારતા તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.