મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ મતદારોનો મિજાજ બદલાયો હોવાની પ્રતીતિ કરતો કિસ્સો સુરતના સીમાડા વિસ્તારમાં ગઇકાલ મંગળવાર સાંજે બન્યો હતો. જેમાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સોસાયટીના રસ્તાના કામમાં દખલગીરી કરનારા આ વિસ્તાર કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાને ઉશ્કેરાયેલી મહિલાઓએ ધડાધડ ચાર પાંચ તમાચા ચોડી દીધા હતા. જેના કારણે પોતાની કાર મૂકી ધારાસભ્યને બાઇક પર ભાગવાનો વખત આવ્યો હતો. આટલું અધૂરું હોય તેમ આ તમામ ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી.

સીમાડા વિસ્તારમાં રસ્તા અને પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રસ્તાની કામગીરીમાં ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાએ દખલગીરી કરી હોવાની જાણ આ વિસ્તારના લોકોને થઈ હતી. દરમિયાન ગઇકાલ મંગળવારે સાંજે ધારાસભ્ય ઝાલાવડિયા આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને પોલીસની હાજરીમાં જ ધારાસભ્યને ઘેરી લીધા હતા. પોલીસની હાજરીમાં જ તેનો હુરિયો પણ બોલાવ્યો હતો અને મહિલાઓએ ચાર-પાંચ તમાચા પણ ચોડી દીધા હતા.

પરિસ્થિતિ પારખી ગયેલા ધારાસભ્યએ અહીંથી ભાગવા માટે પોતાની કાર મૂકી કોઈના બાઇક પાછળ બેસી જતું રહેવું પડ્યું હતું. આ ઘટના જે વિસ્તારમાં બની તે વિસ્તાર ભાજપનો ગઢ ગણવામાં આવે છે. એટલે કે ભાજપને મત આપનારા લોકોનો જ આ રોષ હતો. ભાજપના જ ધારાસભ્ય સામે ભાજપના મતદારોએ રોષ વ્યક્ત કર્યો હોવાની ઘટનાને ધ્યાને લઈ ભાજપના આગેવાનો ચિંતમાં મૂકાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દીવાળીના તહેવારો પર જ્યારે વી.ડી. ઝાલાવડિયાએ બેનરો લગાવ્યાં હતાં ત્યારે પણ લોકોએ બેનરો તોડી નાખ્યાં હોવા ઉપરાંત કાળાં કરી નાખ્યા હતા.