મેરાન્યૂઝ નેટવર્ક સુરત : ત્રણ અઠવાડિયા પહેલાં એસીબીએ આંજણા ખટોદરા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્રને 15 હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મહિલા કોર્પોરેટર લીલાબેન સોનવણેની શંકાસ્પદ ભૂમિકા બહાર આવતાં એસીબીએ તેમની પૂછપરછ કરવા તેમના ઘરે બે વખત તપાસ કરી હતી. પરંતુ તે મળ્યા ન હતા.

શહેરના આંજણા ખટોદરા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લીલાબેનનો પુત્ર કૃણાલને એસીબીએ ગત 27મી ફેબ્રુઆરીના રોજ લીલાબેનની ઓફિસમાં જ 15 હજારની લાંચ લેતાં ઝડપી લીધો હતો. નવું મકાન બનાવતાં સ્થાનિક રહીશને ઉપરનો માળ નહીં તોડવા અને હેરાનગતિ નહીં કરવા લાંચ માંગનાર કૃણાલની પૂછપરછ દરમિયાન મહિલા કોર્પોરેટર લીલાબેનની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી. આ અંગે પૂછપરછ કરવા માટે સુરત એસીબીના પીઆઇ સરવૈયા અને ટીમ ઉધના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ સ્થિત લીલાબેનના ઘરે બે વખત ગઇ હતી. પરંતુ તે ઘરે હાજર મળ્યા ન હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ લાંચ પ્રકરણમાં સંડોવણીને પગલે એસીબીથી બચવા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લીલાબેન ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા પણ લાંચ પ્રકરણમાં આ રીતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પરંતુ બાદમાં એસીબીએ તેમની ધરપકડ કરી હતી.