મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ કતારગામના રણછોડનગર વિસ્તારમાં એક ફ્લેટમાં ઘૂસી ગુનેગારે યુવાન પરિણીતાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઘરમાંથી રોકડા રૂ. 15 હજાર અને ઘરેણાંની લૂંટ કરી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. સંબંધીના મરણના કારણે વતનમાં જવાના મામલે આ દંપતી વચ્ચે બે દિવસથી ઝઘડો ચાલતો હતો. પરિણામે પતિએ હત્યા કરી હોવાની શંકાને કેન્દ્રમાં રાખી પોલીસે પતિની પણ પૂછપરછ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને સુરતમાં ફ્લેટ નં. 303, બાલાજી કોમ્પ્લેક્સ, રણછોડનગર, કતારગામ ખાતે રહેતા મનોજભાઈ ચોટલિયાનાં પત્ની રિયા (ઉ.વ.28) ગુરુવારે બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઘરે એકલી હતી તે વખતે અજાણ્યા ગુનેગારે ફ્લેટમાં ઘૂસી રિયાનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ રોકડા રૂ. 15 હજાર અને સોનાનાં ઘરેણાં લૂંટી લીધા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મનોજ ચોટલિયા કડિયા કામ કરે છે. ગુરુવારે બપોરે બે વાગ્યે તે ઘરેથી ભોજન કરી કડિયા કામ કરવા ગયો હતો. જે સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે તેના ફ્લેટમાં રિયાની હત્યા કરાયેલી લાશ પડી હતી. આ દંપતીને બે વર્ષની એક બાળકી છે. જેણે માની મમતા ગુમાવવાનો વખત આવ્યો હતો. હાલ આ બાળકીની કાળજી પડોશી રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

એક વાત એવી પણ ચાલી રહી છે કે વતન સાવરકુંડલામાં કોઈ સંબંધીનું મૃત્યુ થયું છે. તેની ઉત્તરક્રિયામાં જવાના મામલે આ પતિ પત્ની વચ્ચે બે દિવસથી ઝઘડો ચાલતો હતો. સંભવત: તેના પતિએ જ હત્યા કરી હોવાની વાતને ધ્યાને લઈ પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.