મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ચોકબજાર વિસ્તારમાં સમી સાંજે 6 વાગ્યે સરાજાહેર એક કારમાં આવેલા છ અજાણ્યા યુવાનો પરિણીતાનું અપહરણ કરી ગયા હતા. આ ઘટનાના 24 કલાક પછી પણ પરિણીતાને મુક્ત ન કરતા તેના પરિવારજનો અને પોલીસ દોડતા થઈ ગયા છે. આ અપહરણ કર્યું ત્યારે પરિણીતાની નણંદ તેની સાથે જ હતી. પણ, અપહરણકારોએ મોઢો રૂમાલ બાંધ્યા હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી.

એક ખાનગી કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા તુષાર મનસુખભાઈ કાકલોતરે ચોકબજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 9-10-18ના રોજ સાંજે છ વાગ્યે તેની પત્ની કિંજલ અને બહેન જીનલ મોપેડમાં ઘર તરફ રંગદર્શન સોસાયટી, ધનમોરા તરફ જતા હતા તે વખતે સરદાર સોસાયટી પાસે આ બન્નેના મોપેડને રસ્તા વચ્ચે રોકી નંબર પ્લેટ વગરની સફેદ રંગની કારમાં  આવેલા છ અજાણ્યા યુવાનો કિંજલને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી. નણંદની હાજરીમાં જ આ રીતે સરાજાહેર અપહરણ થયાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ કિંજલ અને તુષાર અગાઉ એક જ જગ્યાએ કામ કરતા હતા. જેથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બન્નેએ તા. 26-10-17ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન કિંજલના પરિવારજનોને મંજૂર ન હોવાથી તા. 27-12-17ના રોજ કિંજલના પરિવારજનોએ કિંજલનું અપહરણ કર્યું હતું. તે વખતે તુષાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર પણ પહોંચ્યો હતો. પછી કોણ જાણે શું થયું કે કિંજલના પરિવારજનો કિંજલને તુષાર પાસે મૂકી ગયા હતા. પછી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેમાં તા. 25-1-18ના રોજ છુટાછેડા પણ લઈ લીધા હતા. વળી પાછું શું બન્યું કે તા. 3-5-18ના રોજ બન્ને પુન: લગ્નગ્રંથિથી જોડાયા હતા. વધુ તપાસ મહિલા પોસઈ એચ.આર. બારોટ કરી રહ્યા છે.